પેરિસ ઓલિમ્પિક્સ 2024 : શું આ વખતે મેડલમાં ડબલ ફિગરમાં પહોંચશે ભારત? આ ખેલાડી છે મેડલ જીતવાના સૌથી મોટા દાવેદાર

Paris Olympics 2024 : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સાત મેડલ જીત્યા હતા. આ વખતે વધારે મેડલ જીતવાની આશા છે. જાણો આ વખતે મેડલ જીતવા માટે કોણ દાવેદાર છે

Written by Ashish Goyal
July 12, 2024 15:09 IST
પેરિસ ઓલિમ્પિક્સ 2024 : શું આ વખતે મેડલમાં ડબલ ફિગરમાં પહોંચશે ભારત? આ ખેલાડી છે મેડલ જીતવાના સૌથી મોટા દાવેદાર
મનુ ભાકર, નીરજ ચોપડા અને પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલના દાવેદાર છે (તસવીર - સોશિયલ મીડિયા)

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યો છે. 26 જુલાઈથી પેરિસમાં 206 દેશોના 10,000 ખેલાડીઓનો જમાવડો જામશે. ભારત 100થી વધુ ખેલાડીઓની ટુકડીને પેરિસ મોકલી રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સાત મેડલ જીત્યા હતા. જાણો આ વખતે મેડલ જીતવા માટે કોણ દાવેદાર છે.

નીરજ ચોપરા

ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા પેરિસમાં પણ મેડલનો દાવેદાર છે. નીરજ ડાયમંડ લીગ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યો છે. તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ સિઝનમાં બેસ્ટ થ્રો 88.36 છે જે તે સમયે ચોથો બેસ્ટ છે. નીરજ એશિયન ગેમ્સનો ચેમ્પિયન પણ છે. તે લાંબા સમયથી જર્મનીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. ચાહકો અપેક્ષા રાખે છે કે નીરજ ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

પીવી સિંધુ

પીવી સિંધુ પેરિસમાં મેડલની હેટ્રિક લગાવશે. તેણે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે દેશ માટે બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. સિંધુ વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયન પણ બની ચૂકી છે. સિંધુ હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં 13મું સ્થાન ધરાવે છે. છેલ્લા ત્રણ વર્ષ તેના માટે ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. જોકે સિંધુને મોટી ટૂર્નામેન્ટની ખેલાડી માનવામાં આવે છે.

સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી

ભારતની આ યુવા જોડી સૌથી મોટા દાવેદારોમાં સામેલ છે. ઘણા ઐતિહાસિક ટાઇટલ જીતવાની સાથે સાથે આ જોડી વર્લ્ડ નંબર વન પણ બની ગઈ છે. જોકે હાલમાં તે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે. હાલમાં આ જોડી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન છે. સાત્વિક-ચિરાગે આ વર્ષે પણ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું.

ભારતીય હોકી ટીમ

ગત વર્ષે ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 41 વર્ષની રાહ જોયા બાદ આ રમતમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ગત વખતે ભારતીય ટીમ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં રમી હતી, જોકે આ વખતે તેણે એશિયન ગેમ્સમાં વિજય મેળવીને સીધું જ ક્વોલિફાય કરી લીધું હતું. પેરિસ ઓલિમ્પિક માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં મોટાભાગના ખેલાડીઓ એ જ ખેલાડીઓ છે જે ગત ઓલિમ્પિકમાં પણ ટીમનો ભાગ હતા.

આ પણ વાંચો – પેરિસ ઓલિમ્પિક્સમાં આ ખેલાડીઓ કરશે ભારતનું પ્રતિનિધિત્વ, જુઓ સંપૂર્ણ યાદી વાંચો

વિનેશ ફોગાટ

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પાસેથી પણ દેશને ઘણી અપેક્ષાઓ છે. વિનેશ છેલ્લા બે વર્ષથી ચર્ચામાં છે. ગત વર્ષે તે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ધરણા પર બેઠી હતી. ઈજાના કારણે તેણે એશિયન ગેમ્સમાં ભાગ લીધો ન હતો પણ તે પછી નેશનલ ચેમ્પિયનશિપ સાથે પાછી ફરી હતી. તે દેશ માટે ઓલિમ્પિક ક્વોટા લાવવામાં સફળ રહી. તે ખૂબ જ અનુભવી છે અને આ તેનો ત્રીજી ઓલિમ્પિક છે.

અંતિમ પંઘાલ

ભારતની યુવા રેસલર અંતિમ પંઘાલ પહેલી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. તે 53 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેશે. અંતિમે ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશ માટે ક્વોટા જીત્યો હતો. અંતિમ પંઘાલ અંડર-23 વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂકી છે.

નિકહત ઝરીન

મેરી કોમે છેલ્લા ઘણા વર્ષોથી 52 કિલોગ્રામ કેટેગરીમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે ટોક્યો ઓલિમ્પિક બાદ નિકહત ઝરીન આ કેટેગરીમાં વર્લ્ડ લેવલે મેડલ્સ જીતી રહી છે. નિકહત બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. આ તેનો પ્રથમ ઓલિમ્પિક છે. તે પોતાના ડેબ્યૂને યાદગાર બનાવવાની કોશિશ કરશે. હાલ તે જર્મનીમાં ટ્રેનિંગ લઈ રહી છે અને ત્યાંથી પેરિસ જશે.

સિફ્ત કૌર સામરા

ભારતીય શૂટર સિફ્ત કૌર સામરા 50 મીટર થ્રી પોઝિશન રાઈફલ ઈવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેણે નેશનલ ઓલિમ્પિક ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ગયા મહિને મ્યુનિચ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મનુ ભાકર

ભારતીય પિસ્તોલ શૂટર મનુ ભાકર માટે ટોકિયો ઓલિમ્પિક ખુબ જ નિરાશાજનક રહ્યું હતું. તેણે ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ તે ફાઇનલમાં પહોંચી શકી ન હતી. ઓલિમ્પિક ટ્રાયલ્સમાં શાનદાર દેખાવ બાદ મનુ ભાકર આ વખતે ત્રણ ઈવેન્ટમાં ભાગ લેશે. હાલમાં તે પોતાના પૂર્વ કોચ જસપાલ રાણા સાથે ટ્રેનિંગ લઈ રહી હતી. જસપાલના કોચિંગમાં મનુ ભાકરે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો.

મીરાબાઈ ચાનુ

ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હાલમાં તે દેશની ટોચની વેઇટલિફ્ટર છે. પેરિસ ઓલિમ્પિકમાં તે દેશની એકમાત્ર વેઇટલિફ્ટર હશે. છેલ્લા કેટલાક સમયથી તે ઈજાના કારણે પણ પરેશાન રહી છે, આમ છતાં તે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવામાં સફળ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ