Paris Olympics 2024, Aman Sehrawat Weight Loss 4 KG in 10 Hours : ભારતીય રેસલર અમન સેહરાવતે 57 કિગ્રા ભાર વર્ગમાં શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતના મેડલની સંખ્યા 6 થઈ ગઈ છે. અમન સેહરાવત માટે પણ મેડલનો માર્ગ સરળ ન હતો. વિનેશ ફોગાટની જેમ અમનને પણ ગેરલાયક ઠેરવવાનો ભય હતો. જોકે આમ થયું ન હતું અને તે મેડલ લાવવામાં સફળ રહ્યો હતો.
અમનનું વજન 4.5 કિલો વધુ હતું
અમન ગુરુવારે ત્રણ મેચ રમ્યો હતો. તે પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલ જીત્યો હતો પરંતુ સેમિ ફાઇનલ મેચ હારી ગયો હતો. ત્રણેય મેચ રમ્યા બાદ જ્યારે તેનું વજન થયું ત્યારે તેને ખબર પડી કે તેનું વજન તેની વેઇટ કેટેગરીના નિશ્ચિત સ્ટાન્ડર્ડ કરતાં 4.5 કિલો વધારે છે. અમન પાસે વજન ઘટાડવા માટે રાતનો જ સમય હતો.
આખી રાત કરી મહેનત
100 ગ્રામ વજન વધારે હોવાના કારણ વિનેશ ફોગટને ગોલ્ડ મેડલ મેચ રમવાની તક મળી ન હતી. અમન સેહરાવતને પણ ડર હતો કે તે બ્રોન્ઝ મેડલ મેચ રમવાની તક ગુમાવી ના દે. આ પછી અમન અને તેની ટીમે સખત મહેનત કરી અને સવારે ચાર વાગ્યા સુધીમાં અમન સેહરાવતનું વજન તેની કેટેગરી પ્રમાણે આવી ગયું હતું.
આ પણ વાંચો – ફક્ત 1 મેડલ જીત્યો, છતા ભારત કરતા 11 ક્રમ ઉપર છે પાકિસ્તાન, જાણો કારણ
ટ્રેડમીલ પર દોડ્યો, સોના બાથ લીધું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમને પહેલા મેટ પર પ્રેક્ટિસ કરીને પોતાનું વજન ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તે સોના હાથ લેવા ગયો હતો. આ પછી પણ અમનનું વજન ઓછું થયું ન હતું. ત્યારબાદ તે જીમમાં ગયો હતો અને ટ્રેડમીલ પર સતત એક કલાક સુધી દોડ્યો હતો.
આ પછી અમને 30 મિનિટનો બ્રેક લીધો હતો. પછી પાંચ- પાંચ મિનિટના સોના બાથ સેશન લીધા હતા. આ બધું કર્યું હોવા છતાં અમનનું વજન 900 ગ્રામ વધારે હતું. ત્યારબાદ અમન જોગિંગ કરવા ગયો. તે આખી રાત સૂતો ન હતો. તે વચ્ચે વચ્ચે રેસલિંગ મેચ પણ જોઇ રહ્યો હતો. અમનનું વજન દર કલાકે માપવામાં આવી રહ્યું હતું. આખરે તેનું વજન 56.9 કિગ્રાએ પહોંચી ગયું હતું. આ તેના નિશ્ચિત વજન કરતા 100 ગ્રામ ઓછું હતું.