Paris Paralympics 2024 shooting updates: પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024ના બીજા દિવસે ભારતના મેડલનું ખાતું ખુલ્યું છે. ભારતની પેરા શૂટર અવની લેખરાએ આર2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ પણ ભારતની મોનાએ જીત્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે.
અવની લેખરાએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં તેણે 249.7ના સ્કોર સાથે જ પોતાનો ગોલ્ડ ડિફેન્ડ કર્યો હતો અને પેરાલિમ્પિકનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. મોના અગ્રવાલે 228.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટનો સિલ્વર મેડલ કોરિયાના લી યુનરીએ જીત્યો હતો.
અવની લેખરાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો
અવની લેખરાએ 2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં 249.6 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે તેણે પેરિસમાં પોતાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો અને 249.7 પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીએ 50 મીટર રાઇફલ 3 પોઝિશન એસએચ1માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 10 મીટર એર રાઇફલ એસએચ1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેણે ફરીથી પેરિસમાં 10 મીટર એર રાઇફલ એસએચ1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને બે પેરાલિમ્પિકમાં 3 મેડલ પોતાના નામે કર્યા છે.
આ પણ વાંચો – શીતલ દેવીએ પેરિસ પેરાલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ, હાથથી નહીં પગથી કરે છે તિરંદાજી
અવનીનો 11 વર્ષની ઉંમરે થયો હતો કાર અકસ્માત
અવની લેખરાનો 2012માં કાર અકસ્માત થયો હતો અને તે સમયે તે માત્ર 11 વર્ષની હતી. આ અકસ્માતને કારણે તે સંપૂર્ણપણે પેરાપ્લેજિયાથી પીડિત થઇ ગઇ હતી. આ પછી તેના પિતાએ તેને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. પહેલા તેણે તીરંદાજીની તાલીમ લીધી, પરંતુ તેને લાગ્યું કે તે શૂટિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે, પછી તેણે આ રમતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.
22 વર્ષીય અવની હાલ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરી રહી છે. અવનીને વર્ષ 2021માં મળેલી સફળતા માટે ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવી છે. અવની લેખરા રાજસ્થાનના જયપુરની વતની છે અને તેનો જન્મ 8 નવેમ્બર 2001ના રોજ થયો હતો.
પ્રીતિ પાલે બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતીય પેરા એથ્લેટ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. પ્રીતિએ આ ગેમ્સના બીજા દિવસે 100 મીટર T35 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટ્રેક ઈવેન્ટમાં ભારતનો આ પહેલો પેરાલિમ્પિક મેડલ છે. ઓલિમ્પિકમાં પણ આજ સુધી કોઈ ભારતીય ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતી શક્યું નથી. આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
મનિષ નરવાલે સિલ્વર મેડલ જીત્યો
મનિષ નરવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે P1 મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. તે પેરાલિમ્પિક્સમાં 2.5 પોઈન્ટના માર્જિનથી પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. કોરિયાના જો જોંગજો ડૂ એ આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનના યાંગ ચાઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.





