Praveen Kumar won gold medal : પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ભારતના પ્રવીણ કુમારે શુક્રવાર પુરુષોની હાઇ જમ્પ ટી 64 ઇવેન્ટમાં એશિયન રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નોઈડાના 21 વર્ષીય પ્રવીણ કુમારે 6 જમ્પર ફિલ્ડમાં 2.08 મીટરનો સિઝનની સર્વશ્રેષ્ઠ જમ્પ લગાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. પ્રથમ વખતે ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં 6 મેડલ મેળવ્યા છે. આ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેળવ્યા હતા.
અમેરિકાના ડેરેક લોકિડેંટે 2.06 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ઉઝબેકિસ્તાનનો ટેમુરબેક ગિયાઝોવ ત્રીજા ક્રમે રહ્યો હતો. તેણે 2.03 મીટરની છલાંગ લગાવી હતી. આ તેનો પર્સનલ બેસ્ટ છે. ટી 64 એવા એથ્લિટ્સ માટે છે, જેમના એક પગના નીચેના ભાગમાં સાધારણ રીતે પ્રભાવિત હોય (ઓછી મૂવમેન્ટ) છે કે ઘૂંટણની નીચે એક કે બંને પગ હોતા નથી.
આ પણ વાંચો – જે બીમારીના કારણે ધ્રુજવા લાગતા હતા હાથ, તેના પર વિજય મેળવી બ્રોન્ઝ મેળવ્યો
કોણ છે પ્રવીણ કુમાર
પ્રવીણનો જન્મ ઉત્તર પ્રદેશના નોઈડાના ગોવિંદગઢમાં થયો હતો અને તેણે નાની ઉંમરે સફળતા હાંસલ કરી હતી. ટોક્યો 2020 પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર સૌથી નાની વયનો પેરા-એથ્લીટ બન્યો હતો. જેમાં તેણે પુરુષોની ઊંચી કૂદ T64 શ્રેણીમાં 2.07 મીટરના પ્રભાવશાળી જમ્પ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ભારતને કુલ 26 મેડલ મળ્યા
પ્રવીણ કુમારે જીતેલા ગોલ્ડ મેડલ સાથે પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના મેડલની સંખ્યા 26 થઇ ગઇ છે. ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે કુલ 19 મેડલ જીત્યા હતા.