Sheetal Devi Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સના પહેલા દિવસે પેરા એથ્લીટ શીતલ દેવીએ તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન કરતા ઇતિહાસ રચ્યો છે. શીતલ દેવીએ ગુરુવારે મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડે તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં જોરદાર પ્રદર્શન કરતા 720માંથી 703 પોઇન્ટ મેળવ્યા છે.
શીતલ દેવીએ બીજું સ્થાન મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે આ પહેલાનો 698 પોઇન્ટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. જોકે આ રેકોર્ડ વધારે ટક્યો ન હતો. તુર્કિયેની ક્યુરી ગિર્ડી 704 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જો શીતલે વધુ એક પોઈન્ટ મેળવ્યો હોત તો તે વર્લ્ડ રેકોર્ડમાં ટોચનું સ્થાન મેળવી લેત
શીતલ દેવીનો આવો છે સંઘર્ષ
આતંકવાદ પ્રભાવિત જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અંતરિયાળ પહાડી ગામ લોઈ ધરની રહેવાસી શીતલનો જન્મ એક ગરીબ પરિવારમાં હાથ વગર થયો હતો. શીતલ ફોકોમેલિયા નામના રોગની જન્મજાત પીડિત છે. જો કે શીતલે આ બીમારીને ક્યારેય શ્રાપ ન બનવા દીધી. તેનું જીવન અને તેના પરિવારનું જીવન પડકારોથી ભરેલું હતું પરંતુ પરિવાર ક્યારેય તેની સામે ઝૂક્યા નહીં.
2019માં 11 રાષ્ટ્રીય રાઈફલ્સ નોર્ધન કમાન્ડે તેને દત્તક લીધી હતી અને પરિવારની મદદ કરવાની શરુ કરી હતી. વર્ષ 2021માં પરિવારે મેજર અક્ષય ગિરીશની માતા મેઘના ગિરીશનો કૃત્રિમ અંગો માટે સંપર્ક કર્યો હતો. તેમની મદદથી શીતલ પ્રોસ્થેટિક હાથ મેળવી શકી હતી. જોકે શીતલ પોતાની તીરંદાજીની પ્રેક્ટિસ માત્ર છાતી, દાંત અને પગથી જ કરતી હતી, તે પોતાના મજબૂત પગની મદદથી તીરંદાજી કરતી હતી.
આ પણ વાંચો – પેરાલિમ્પિક ગેમ્સ ક્યાં લાઇવ જોવા મળશે, કેટલા ભારતીયો લઇ રહ્યા છે ભાગ, જાણો બધી ડિટેલ્સ
તે બેંગ્લોરની પ્રીતિ રાયને મળી અને સ્પોર્ટ્સ એનજીઓની મદદથી તીરંદાજીમાં નિપુણતા મેળવવાનું ચાલુ રાખ્યું હતું. પ્રીતિ રાયની પ્રેરણા અને તેની મહેનતના કારણે શીતલે 2023માં વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો હતો. કોચ કુલદીપ બૈદવાને શીતલ માટે મોઢા અને પગની મદદથી તીરંદાજી શીખવવા માટે ખાસ કિટ તૈયાર કરી હતી.
શીતલ દેવી અર્જૂન એવોર્ડથી સન્માનિત
શીતલ દેવીને થોડા મહિના પહેલા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. શીતલ દેવી પહેલી ભારતીય તીરંદાજ છે જે હાથ વગર તીરંદાજી કરી છે. તે પગથી તીરંદાજી કરે છે. ચીનમાં યોજાયેલી એશિયા પેરા ગેમ્સમાં 16 વર્ષની શીતલે બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. હવે શીતલ કિશ્તવાડ જિલ્લાની જ નહીં પરંતુ સમગ્ર દેશની એક આઇકોન છે.





