Paris olympic 2024 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્વતંત્રતા દિવસ પર છ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલા ભારતીય દળ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને ઇતિહાસ રચનાર શૂટર મનુ ભાકરે પોતાની પિસ્તોલ બતાવી હતી, જેની સાથે તેણે બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બનનારી મનુ ભાકર વડાપ્રધાનને એ પિસ્તોલ વિશે જણાવતી જોવા મળી હતી. જેની મદદથી તેણે પેરિસમાં 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
સતત બીજો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમે પ્રધાનમંત્રીને તમામ ખેલાડીઓએ હસ્તાક્ષર કરેલી એક સ્ટીક ભેટમાં આપી હતી. હાલમાં જ નિવૃત્ત થયેલા પીઆર શ્રીજેશ અને કેપ્ટન હરમનપ્રીત સિંહ સહિતના તમામ ખેલાડીઓ બ્રોન્ઝ મેડલ પહેરીને વડાપ્રધાન મોદીની સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
મનુ ભાકરની સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહે પણ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી. 50 મીટર રાઈફલ 3 પોઝિશન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સ્વપ્નિલ કુસાલેએ પણ પીએમ સાથે વાતચીત કરી હતી.
અમન સેહરાવતે પણ પીએમ મોદી સાથે કરી મુલાકાત
પુરુષોની ફ્રિસ્ટાઈલ 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીતનારા રેસલર અમન સેહરાવત પણ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. સિલ્વર મેડાલિસ્ટ જેવલીન થ્રોઅર નીરજ ચોપરા હજુ સ્વદેશ પરત ફર્યો નથી. તે પેરિસ ગેમ્સ બાદ પોતાના કમરમાં થયેલી ઈજા પર ડોક્ટર સાથે ચર્ચા કરવા અને યુરોપમાં ડાયમંડ લીગની મિટિંગમાં સંભવિત ભાગીદારી માટે જર્મની ગયો છે.
બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેન સાથે વાતચીત
પીએમ મોદીએ ભારતીય દળના સભ્યોને સંબોધિત કર્યા હતા અને બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેન સહિત કેટલાક ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી. ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતા લવલિના બોરગોહેન (બોક્સિંગ) અને મીરાબાઈ ચાનુ (વેઇટલિફ્ટિંગ) પણ વડા પ્રધાનને મળ્યા હતા.
આ પણ વાંચો – પેરિસ ઓલિમ્પિક 2024 : વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે, અરજી ફગાવી દીધી
આ દરમિયાન રમતગતમ મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પણ ઉપસ્થિત રહ્યા હતા. દિવસની શરૂઆતમાં, ભારતીય ટુકડીના સભ્યો ઐતિહાસિક લાલ કિલ્લા પર હાજર હતા, જ્યાં વડા પ્રધાન મોદીએ 78 મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
2036 ઓલિમ્પિકની યજમાની
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની મેળવવાના તેના પ્રયત્નોમાં કોઈ કસર છોડશે નહીં. ભારતની સાથે સાઉદી અરેબિયા, કતર અને તુર્કી જેવા અન્ય કેટલાક દેશો પણ આ ગેમ્સના આયોજન માટે જોરદાર દાવો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) તેની ચૂંટણીઓ યોજ્યા બાદ આવતા વર્ષે યજમાનપદ નક્કી કરે તેવી શક્યતા છે.
પીએમ મોદીએ 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે ભારતનું સપનું 2036 ઓલિમ્પિકની યજમાની કરવાનું છે, અમે તેના માટે તૈયારી કરી રહ્યા છીએ.