Pratika Rawal Receives World Cup Medal: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર પ્રતિકા રાવલ બાંગ્લાદેશ સામેની મહિલા વર્લ્ડ કપની આખરી લીગ મેચમાં ઈજાગ્રસ્ત બનીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જે પછી શેફાલી વર્માને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. શેફાલીએ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો અને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત બાદ પ્રતિકા પણ વ્હીલચેરમાં જોવા મળી હતી અને ટીમ સાથે ઉજવણીમાં જોડાઈ હતી. પરંતુ તેને આઇસીસી વર્લ્ડ કપ વિનર મેડલ મળ્યો ન હતો. કારણ કે નિયમ મુજબ તે ટીમની બહાર હતી.
પીએમ મોદીને મળી ત્યારે પ્રતિકા રાવલના ગળામાં મેડલ હતો
આ પછી જ્યારે ભારતીય મહિલા ટીમ પીએમ મોદીને મળી ત્યારે પ્રતિકાના ગળામાં મેડલ જોવા મળ્યો હતો. જ્યારે અમનજોત ટીમના ફોટોશૂટમાં મેડલ વગર જોવા મળી હતી. આ ફોટો પણ વાયરલ થયો હતો. જે પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાત દરમિયાન પ્રતિકા અને અમનજોત બંનેએ મેડલ પહેર્યા હતા. આ પછી રહસ્ય વધી ગયું હતું. હવે પ્રતિકાએ પોતે જ તેના પરથી પડદો હટાવી દીધો છે. WION સાથે વાત કરતા પ્રતિકા રાવલે ખુદ જણાવ્યું છે કે જય શાહના હસ્તક્ષેપ બાદ તેને મેડલ મળી ગયો છે.
પ્રતિકા રાવલને વર્લ્ડ કપ મેડલ કેવી રીતે મળ્યો?
પ્રતિકા રાવલે કહ્યું કે આખરે તેને પોતાનો મેડલ મળી ગયો છે. તેણે કહ્યું કે મારી પાસે મારો પોતાનો મેડલ છે. મને ટીમ મેનેજરનો ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે જય શાહ સરે મારા માટે મેડલની વ્યવસ્થા કરી છે. અને હવે મને મારો પોતાનો મેડલ મળી ગયો છે. જ્યારે મેં તે મેડલ બોક્સ ખોલ્યું ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઇ હતી અને મારી અંદર ઘણા ઇમોશન હતા જેને હું વ્યક્ત કરી શકું તેમ નથી.
આ પણ વાંચો – પીએમ મોદી અને મહિલા ખેલાડીઓની રસપ્રદ વાતો આવી સામે, જુઓ VIDEO
વર્લ્ડ કપ 2025માં પ્રતિકાનું પ્રદર્શન કેવું હતું?
મહિલા વર્લ્ડ કપ 2025માં પ્રતિકા રાવલના પ્રદર્શન વિશે વાત કરીએ તો તે ભારતીય ટીમ માટે તમામ સાત લીગ મેચ રમી હતી, પરંતુ ઈજાના કારણે તે છેલ્લી મેચમાં બેટિંગ કરી શકી ન હતી. તેણે છ ઇનિંગ્સમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામે તેનો 122 રનનો સ્કોર તેનો બેસ્ટ સ્કોર હતો અને આ મેચ જીત્યા બાદ જ ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.
પ્રતિકા રાવલે ટૂર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં 50થી વધુની એવરેજથી 308 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેણે બે વિકેટ પણ ઝડપી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની લીગ મેચમાં પણ 75 રન બનાવ્યા હતા. તેણે ઇંગ્લેન્ડ સામે 6 રન સિવાયની દરેક મેચમાં ટીમને સારી શરૂઆત આપી હતી. પરંતુ કમનસીબે તે સેમિ ફાઈનલ અને ફાઈનલ રમી શકી ન હતી.





