Pritvhi Shaw Fight With Musheer Khan: ભારતીય ક્રિકેટર પૃથ્વી શો લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે. આ દરમિયાન તે છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિવાદોમાં જોવા મળે છે. હવે રણજી ટ્રોફી 2025-26 અગાઉ તેના નામે એક નવો વિવાદ ઉમેરાયો છે. એમસીએ સ્ટેડિયમમાં મહારાષ્ટ્ર અને મુંબઈની ટીમ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં શાનદાર બેટિંગ કરીને આઉટ થયેલા પૃથ્વી શો એ મુશીર ખાન તરફ બેટ કર્યું હતું અને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું હતી આખી ઘટના?
તમને જણાવી દઈએ કે આ ઇનિંગ્સમાં પૃથ્વી શો એ શાનદાર બેટિંગ કરતાં 181 રન બનાવ્યા હતા. જ્યારે તે બેવડી સદી તરફ જઈ રહ્યો હતો ત્યારે સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાનના એક બોલ પર તે કેચ આઉટ થયો હતો. આ પછી મુશીરની ઉજવણી કદાચ પૃથ્વીને પસંદ આવી નહીં હોય અને જતી વખતે તેણે બેટ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મેદાન પર હોબાળો મચી ગયો હતો અને તમામ ખેલાડીઓ એકઠા થયા હતા. જે પછી અમ્પાયરોએ બચાવમાં આવવું પડ્યું હતુ. જતા-જતા પૃથ્વીએ મુંબઈના કેપ્ટન સિદ્ધેશ લાડ સાથે પણ બોલાચાલી કરી હતી.
પૃથ્વી શો આ પહેલા પણ રહ્યો છે વિવાદમાં
આ સાથે ફરી એકવાર પૃથ્વી શો નું નામ વિવાદમાં આવ્યું છે. આ પહેલા લગભગ બે વર્ષ પહેલા રસ્તા પર મોડલ અને ઇન્ફ્લુએન્સર સાથેની ગાડીની તોડફોડનો વિવાદ પણ સામે આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તે મુંબઈ છોડીને મહારાષ્ટ્રની ટીમમાં જોડાયો હતો. આ પહેલા તેમનું કફ સીરપનો કાંડ પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. આ જ કારણ છે કે પૃથ્વી અને વિવાદો એકબીજાના પૂરક બની ગયા છે. હવે જોવાનું રહેશે કે આ કેસ બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે. થોડા સમય પહેલા તેમના પુનરાગમનની વાત થઈ હતી, પરંતુ સતત ચાલી રહેલા વિવાદો પૃથ્વીની છાપ સુધારી રહ્યા નથી.
આ પણ વાંચો – શું એમએસ ધોની ચેન્નઇ સુપર કિંગ્સ છોડશે?
પૃથ્વી શો એ 220 બોલમાં 181 રન બનાવ્યા
આ વોર્મઅપ મેચ રણજી ટ્રોફી અગાઉની તૈયારીઓની દ્રષ્ટિએ રમાડવામાં આવી રહી છે. આ મેચમાં મહારાષ્ટ્રની ટીમ પ્રથમ બેટિંગ માટે ઉતરી હતી. અર્શિન કુલકર્ણી સાથે ઈનિંગની શરૂઆત કરતાં પૃથ્વીએ 140 બોલમાં સદી પુરી કરી હતી. આ મેચમાં પૃથ્વી શો એ 220 બોલમાં 181 રન બનાવ્યા હતા. જ્યારે અર્શિને 95 બોલમાં સદી ફટકારી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 305 રનની શાનદાર ભાગીદારી કરી હતી. પૃથ્વી અને અર્શિનની જોડીએ મુંબઈ કેમ્પમાં હાજર શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, શિવમ દુબે જેવા સ્ટાર બોલરોની ધોલાઇ કરી હતી.