World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં પોતાની બેટિંગથી પ્રભાવિત કરનાર અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ પણ મેદાનની બહાર પણ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. તેણે પોતાના દેશમાં રવાના થતા પહેલા એવું કામ કર્યું છે જેણે લાખો ભારતીયોનું દિલ જીતી લીધું છે. વર્લ્ડ કપની છેલ્લી મેચ બાદ ગુરબાઝ ચૂપચાપ રાતના અંધારામાં અમદાવાદના રસ્તા પર સુતેલા લોકોને પૈસા આપ્યા હતા, જેથી તેઓ પોતાની દિવાળી સારી રીતે ઉજવી શકે.
ગુરબાઝે રાતના અંધારામાં જરૂરિયાતમંદોને પૈસા દાન કર્યા
ગુરબાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ગુરબાઝ અમદાવાદના રસ્તાઓ પર સવારે 3 વાગ્યે જરૂરિયાતમંદ લોકોને ચૂપચાપ પૈસા આપતા જોવા મળ્યા હતા. ગુરબાઝે જે લોકોને પૈસા આપ્યા હતા તેમને ખબર પણ ન હતી કે કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી તેમને પૈસા આપી રહ્યો છે. આ દરમિયાન ગુરબાઝે 500-500 રૂપિયાની નોટ લોકોને આપી હતી. આ પછી તે ત્યાંથી કારમાં બેસીને ચૂપચાપ ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો – ભારત ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડે તો શું આવે પરિણામ, જાણો ICC ના નિયમો શું કહે છે
ગુરબાઝ માટે વર્લ્ડ કપ યાદગાર રહ્યો
રહેમાનુલ્લાહ ગુરબાઝના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોએ ગુરબાઝના આ કામની પ્રશંસા કરી રહ્યા છે. ગુરબાઝે આ વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી પણ બધાને પ્રભાવિત કર્યા હતા. ગુરબાઝે આ વર્લ્ડ કપમાં પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે શ્રીલંકા સામેની વોર્મઅપ મેચમાં 119 રન ફટકાર્યા હતા. આ સિવાય તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં 80 રન બનાવ્યા હતા. આ મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.
અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને
વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહ્યું છે. તેણે 9 મેચમાં 4 જીત અને 5 પરાજય સાથે 8 પોઇન્ટ મેળવ્યા હતા.





