ગૌતમ ગંભીરનું ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવાનું લગભગ નક્કી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલમાં ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)માં મોટી ભૂમિકા મળી શકે છે. તે કોચ તરીકે ગૌતમ ગંભીરના સ્થાને આવી શકે છે. ગંભીરને 2024ની સિઝનની શરુઆત પહેલા નાઈટ રાઈડર્સનો મેન્ટર બનાવવામાં આવ્યો હતો. આ સિઝનમાં ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.
દરમિયાનમાં એવા અહેવાલો વહેતા થયા છે કે ફ્રેન્ચાઈઝીના માલિકો રાહુલ દ્રવિડને મેન્ટર બનાવવા માગે છે. ન્યૂઝ18 બાંગ્લાના એક રિપોર્ટમાં આઇપીએલની અનેક ફ્રેન્ચાઇઝી 2025ની સિઝન પહેલા દ્રવિડને કોચ કે મેન્ટર તરીકે નિયુક્ત કરવા માટે ઉત્સુક છે. તે નાઈટ રાઈડર્સના રડાર ઉપર પણ છે. જો કે હજુ સુધી કોઇ નક્કર ચર્ચા થઇ નથી.
હું આવતા મહિનાથી બેરોજગાર છું – રાહુલ દ્રવિડ
ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટી 20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યું ત્યારે દ્રવિડે મજાકમાં કહ્યું હતુ કે તે આવતા મહિનાથી બેરોજગાર છે અને તેણે પત્રકારો સાથેની વાતચીતમાં પુછ્યું હતુ કે શું તેમની પાસે કોઈ ઓફર છે? દ્રવિડની પ્રતિભા અને ભારતીય ક્રિકેટ સાથેના અનુભવને જોતાં ફ્રેન્ચાઈઝી ઈચ્છે છે તેમને ટીમ સાથે જોડવા માંગે છે.
આ પણ વાંચો – રોહિત શર્માએ ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ચમકાવી 1.5 કરોડની ઘડિયાળ, દુનિયામાં આવી માત્ર 300 ઘડિયાળ
પરિવારને સમય આપવા માંગે છે રાહુલ દ્રવિડ
ભારતીય ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ આગળ કામ યથાવત્ રાખવા માંગતા ન હતા. તે વર્ષમાં 10 મહિના મુસાફરી કરીને પરિવારથી પોતાને દૂર રાખવા માંગતા ન હતા, પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ અલગ છે. ટી 20 લીગમાં દ્રવિડે વર્ષમાં માત્ર 2-3 મહિના જ ફ્રેન્ચાઈઝીની સાથે રહેવું પડશે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ભૂતકાળમાં આઇપીએલની ફ્રેન્ચાઈઝીઓ સાથે મેન્ટર અને કોચ તરીકે કામ કરી ચૂક્યા છે.
દ્રવિડ આ પહેલા પણ આઈપીએલમાં કામ કરી ચૂક્યા છે
દ્રવિડ વર્ષ 2017માં હિતોના ટકરાવને કારણે પદ છોડતા પહેલા દિલ્હી ડેર ડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)ની ફ્રેન્ચાઈઝીના કોચ હતા. આઇપીએલમાંથી બ્રેક બાદથી જ દ્રવિડ અંડર-19 અને ઈન્ડિયા એ સહિતની ઈન્ડિયા જુનિયર ટીમોના કોચ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વર્ષ 2021માં ભારતીય ટીમના કોચ બન્યા પહેલા તેઓ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના વડા તરીકે કામ કરતા હતા.





