Team India Head Coach: ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના નવા કોચની શોધ શરુ થઈ ગઈ છે. બીસીસીઆઈએ આ પદ માટે અરજીઓ મંગાવી છે. જૂનમાં ટી-20 વર્લ્ડ કપના અંત બાદ ટીમના નવા કોચનો કાર્યકાળ શરુ થશે. જય શાહે નવા કોચની અરજીની જાહેરાત સાથે કહ્યું હતું કે હાલના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ ઇચ્છે તો ફરી અરજી કરી શકે છે. જોકે મીડિયા રિપોર્ટ જણાવે છે કે દ્રવિડ આવું ઈચ્છતા નથી.
રાહુલ દ્રવિડ અરજી નહીં કરે
સ્પોર્ટસ્ટારના રિપોર્ટ અનુસાર દ્રવિડ હેડ કોચનું પદ ઇચ્છતા નથી. આ કારણે તે આ પદ માટે ફરી અરજી નહીં કરે. રાહુલ દ્રવિડ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. આઈપીએલ શરૂ થતા પહેલા તેમણે બીસીસીઆઈને પોતાના નિર્ણય વિશે જણાવ્યું હતું.
સીનિયર્સના કહેવા છતા પણ રાહુલ દ્રવિડ ના માન્યા
એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કેટલાક સિનિયરો ઈચ્છતા હતા કે દ્રવિડ વધુ એક વર્ષ સુધી ટેસ્ટ ટીમના કોચ તરીકે યથાવત્ રહે. તેમણે આ માટે દ્રવિડને મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ આ પૂર્વ ભારતીય કેપ્ટન સંમત થયા ન હતા. જો દ્રવિડ આ વિકલ્પ માટે સંમત થયો હોત તો બીસીસીઆઇ ટેસ્ટ અને મર્યાદિત ઓવરો માટે અલગ કોચ રાખવાના વિકલ્પ અંગે વિચારી શક્યું હોત.
આ પણ વાંચો – આઈપીએલ 2024 પ્લેઓફની ટિકિટ કેવી રીતે ખરીદવી, અમદાવાદમાં રમાશે બે મેચ
લક્ષ્મણ પણ અરજી નહીં કરે
માનવામાં આવી રહ્યું છે કે વીવીએસ લક્ષ્મણ આ રેસમાં સૌથી આગળ છે પરંતુ સ્ટારસ્પોર્ટ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ ભારતીય બેટ્સમેન હેડ કોચ પદ માટે અરજી નહીં કરે. આવી સ્થિતિમાં બીસીસીઆઇ વિદેશી કોચ અંગે પણ વિચારણા કરી શકે છે. આઈપીએલની કેટલીક ફ્રેન્ચાઈઝીના હેડ કોચે અરજી પણ કરી છે.





