Pratyush Raj : અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં રાજ લિંબાણી ચમકી રહ્યો છે. મોટા થયા પછી રાજ લિંબાની પાસે બે વિકલ્પો હતા, કાં તે તેમના અન્ય ભાઈ-બહેનોની જેમ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે અથવા તેમના પિતાને ખેતીમાં મદદ કરે. પરંતુ પોતાના ભાઈ-બહેનોથી વિપરીત રાજે કચ્છમાં આવેલા દયાપર ગામથી 550 કિમી દૂર આવેલા વડોદરામાં ક્રિકેટ રમવાના પોતાના સપનાને સાકાર કરવા માટે ચાલ્યો ગયો હતો.
રાજ લિંબાણીના પિતા પિતા વસંત પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમારા ગામથી પાકિસ્તાનની સરહદ માત્ર 27 કિમી દૂર છે. અમારા ગામના બાળકો અમદાવાદ, સુરત કે બરોડા ભણવા જાય છે. પણ રાજના કિસ્સામાં વાત જુદી હતી. 2017માં તે ફક્ત ક્રિકેટ રમવા માટે વડોદરા ગયો હતો.
તેમણે કહ્યું કે હું એક ખેડૂત છું, તેથી મેં તેને કહ્યું કે ત્યા જઇને તારા સ્વપ્ન પુરા કર. પણ જો તેમ ન થાય તો અમારા એરંડાનું ખેતર તારી રાહ જુએ છે. પરંતુ નાનપણથી જ તેને રમત પ્રત્યેનો જુસ્સો હતો, જે ક્યારેક અમે પણ સમજવામાં નિષ્ફળ જતા હતા. પરંતુ હવે તેને ભારત માટે રમતો જોઈને મારા ચહેરા પર સ્મિત આવે છે.
જમણા હાથના સ્વિંગ બોલર રાજ લિંબાણીએ ચાર મેચમાં માત્ર પાંચ વિકેટ ઝડપી છે પરંતુ તે નવા બોલથી વિકેટ લઈ શકે છે. જેના કારણે ભારતને પ્રારંભિક સફળતા મળી છે. જેણે ભારતીય સ્પિનરો પરનું દબાણ ઓછું કર્યું છે અને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તમામ મેચ જીતવામાં મદદ કરી છે.
રાજ લિંબાણીએ ટેનિસ બોલથી બોલિંગ શરૂ કરી હતી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી અને એક પણ ટર્ફ વિકેટ ન હોવાથી રાજે ટેનિસ બોલથી બોલિંગ શરૂ કરી હતી. એક વખત તેણે પ્રોફેશનલ ક્રિકેટર બનવાનું મન બનાવી લીધું તે પછી ટેનિસ બોલના સ્થાને ભારે કોર્ક બોલ ફેંકતો હતો. વસંત પટેલ એ પણ યાદ કરે છે કે કેવી રીતે તેમનો પુત્ર કચ્છના કઠોર વાતાવરણમાં લડ્યો છે.
વસંત પટેલે કહ્યું કે અમે રણમાં રહીએ છીએ. ઉનાળો હોય કે શિયાળો હવામાન પણ ખૂબ જ આકરું હોય છે. મેં તેને ઉનાળામાં હીટ-સ્ટ્રોક અને શિયાળાની શુષ્ક ઠંડી સામે ઝઝૂમતો જોયો છે. પણ તેનાથી તે કદી અટક્યો નહીં. રેતીમાં રમવું પણ સરળ ન હતું અને કોઈ પણ સાધન ખરીદવા માટે તમારે નજીકના શહેરમાં જવું પડતું હતું, જે 100 કિમી દૂર છે.
વર્ષ 2010માં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરતા વસંતના મોટાભાઈ મણિલાલ પટેલે પરિવારની મોટી દીકરીએ ઈન્ટરમિડિયેટ પૂરું કર્યા બાદ વડોદરામાં બદલી કરી હતી. સાત વર્ષ પછી સૌથી નાનો રાજ લિંબાણી તેમની સાથે જોડાયો પરંતુ અભ્યાસ માટે નહીં. તે પોતાના સ્વપ્નને સાકાર કરવા આવ્યો હતો.
જ્યાં પઠાણ, પંડ્યાએ તાલીમ લીધી
વડોદરાના થર્મલ પ્લાન્ટમાં કામ કરતા રાજ લિંબાણીના પિતરાઇ ભાઇ હાર્દિક લિંબાણીએ જણાવ્યું હતું કે મારા પિતાએ બદલી કરી હતી જેથી અમે સારું શિક્ષણ મેળવી શકીએ. વિચાર એવો હતો કે તેઓ વડોદરામાં માતાપિતાની ભૂમિકા ભજવશે, જ્યારે મારા કાકા ખેતરની સંભાળ રાખશે. 2017માં જ્યારે રાજ આવ્યો ત્યારે સારી શાળાની શોધ કરવાને બદલે, અમે એક સારી ક્રિકેટ એકેડેમી શોધી રહ્યા હતા.
તેણે કહ્યું કે પ્રખ્યાત મોતી બાગ ક્રિકેટ ક્લબ અમારા ક્વાર્ટરથી માત્ર 4 કિલોમીટર દૂર હતી. આ ક્રિકેટ ક્લબ પઠાણ બંધુઓ (યુસુફ અને ઇરફાન) પછી પંડ્યા બંધુઓ (કૃણાલ અને હાર્દિક) અને દીપક હૂડાના રમવાના કારણે પ્રખ્યાત છે. હાર્દિક કહે છે કે અમને જરા પણ ખચકાટ ન હતો.
આ પણ વાંચો – રોહિત શર્માએ ધોનીનો રેકોર્ડ તોડ્યો, હવે ફક્ત સચિન અને વિરાટ કોહલીથી પાછળ
રાજ લિંબાણીના કોચ દિગ્વિજય સિંહ રાઠવાનું કહેવું છે કે પ્રતિભા કે તેમની પૃષ્ઠભૂમિએ તેમની નજર ખેંચી ન હતી, પરંતુ વિચારની સ્પષ્ટતાએ જ તેમને સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા. તેમણે કહ્યું કે પહેલી વાર હું તેને U-16 કેમ્પ દરમિયાન મળ્યો હતો. જ્યારે તમે કોઈ પણ બાળકને પૂછશો કે તેઓ શું બનવા માંગે છે, ત્યારે સ્વાભાવિક જવાબ હશે કે ભારત માટે રમવું. પરંતુ આ વ્યક્તિ એક ડાયરી લઈને આવ્યો હતો, જ્યાં તેણે બધું જ લખી નાખ્યું છે.
તેમણે આગળ કહ્યું કે તેણે લખ્યું છે કે તે પહેલા અંડર -16 રમવા માંગે છે. અંડર-19ના પ્રથમ વર્ષમાં તે એનસીએના કેમ્પમાં હાજરી આપવા માંગે છે. એ પછી તે અંડર-19 વર્લ્ડ કપ રમવા માગતો હતો, ત્યાર બાદ બરોડા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માગતો હતો અને ત્યાર બાદ ઇન્ડિયા એ અને છેલ્લે તેણે જે વાતનો ઉલ્લેખ કર્યો હતો તે ભારતની સિનિયર ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. તમને ઘણા ઉભરતા ક્રિકેટરોમાં આવી સ્પષ્ટતા દેખાતી નથી. તેણે અત્યાર સુધીના તમામ બોક્સને ટિક કર્યા છે અને જે પ્રકારની ભૂખ છે તેનાથી તે સિનિયર ટીમ માટે રમશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
અંડર-19 વર્લ્ડ કપ પહેલા રાજ લિંબાણી ભારત માટે પ્રથમ પસંદગીનો સીમર ન હતો
અંડર-19 વર્લ્ડ કપ પહેલા રાજ લિંબાણી ભારત માટે પ્રથમ પસંદગીનો સીમર ન હતો. તે નમન તિવારી, આરાધ્યા શુક્લા, અને ધનુસ ગૌડા પછી લાઈનમાં ચોથા ક્રમે હતો. પરંતુ એશિયા કપમાં નેપાળ સામે તેનો 7/13નો શાનદાર સ્પેલ હતો, જેના કારણે તે બાકીના ખેલાડીઓથી આગળ નીકળી ગયો હતો.
દયાપરમાં પાછા ફરતા વસંત પટેલ બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું તમામ કામ પૂરું કરવાનો પ્રયાસ કરે છે, જેથી તે પોતાના ઘરે પાછો દોડી શકે અને ભારતની મેચ જોઈ શકે.
વસંત પટેલે કહ્યું કે મેં તેના માટે મારો નિત્યક્રમ થોડો ચેન્જ કર્યો છે. મને લાગે છે કે તેનો શ્રેય મોતી બાગ ક્લબના કોચને જવો જોઈએ, જેમણે તેની કારકિર્દીને આકાર આપ્યો હતો. એક વખત તેણે મને એક વાત કહી હતી કે ક્લબમાં તેની બોલિંગથી ઇરફાન પઠાણ કેવી રીતે પ્રભાવિત થયા હતા. મને તે વર્ષ બરાબર યાદ નથી પરંતુ તે કોવિડ પહેલાંનું હતું. ટૂર્નામેન્ટ પહેલા ઇરફાન પઠાણ ટીમ સાથે એનસીએમાં હતો અને તેણે તેમની સાથે 10 કે 12 દિવસ વિતાવ્યા હતા.