Hit The Ball Twice : રણજી ટ્રોફી 2025માં એક કિસ્સો સામે આવ્યો છે જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઈ છે. ક્રિકેટમાં આઉટ થવાની એક એવી ઘટના સામે આવી છે જે સામાન્ય રીતે જોવા મળતી નથી. આ પછી ચર્ચા પણ શરૂ થઈ કે શું આવો કોઈ નિયમ છે? તમને જણાવી દઈએ કે રણજી મેચમાં મેઘાલય સામે મણિપુરના એક બેટ્સમેને બે વખત બેટથી બોલને મારવા (Hit The Ball Twice)પર વિવાદ થયો હતો.
આખો મામલો શું છે?
આ મામલો એવી રીતે પ્રકાશમાં આવ્યો હતો કે પ્લેટ ગ્રુપની રણજી મેચમાં મણિપુરનો બેટ્સમેન લામબમ સિંહ બેટીંગ કરી રહ્યો હતો ત્યારે તેણે બેટથી બોલને ડિફેન્ડ કર્યો હતો. પરંતુ તે બોલ ડિફેન્ડ કર્યા પછી તે સ્ટમ્પ તરફ જઈ રહી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બેટ્સમેને ફરી બેટ મૂકીને બોલને સ્ટમ્પમાં જતો અટકાવી દીધો હતો. આ પછી ત્યાં હાજર દર્શકોએ આઉટ આઉટ કરવા લાગ્યા હતા.
દર્શકોની આ અપીલ બાદ ફિલ્ડિંગ ટીમે પણ અપીલ કરી હતી. જેના કારણે ફિલ્ડ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજે બે વખત બેટથી બોલને ફટકારવાનો પ્રયાસ કરવા બદલ આઉટ આપ્યો હતો. મેઘાલયની ટીમે અપીલ કર્યા બાદ જ બેટ્સમેન લામબમ સિંહે મેદાન છોડવાનું શરુ કરી દીધું હતું.
એમસીસીનો સંપૂર્ણ નિયમ શું છે?
મેરિલબોન ક્રિકેટ કલબ (એમસીસી)એ નક્કી કરેલા નિયમ અનુસાર અમ્પાયરે આપેલો આ નિર્ણય તદ્દન સાચો હતો. એમસીસીના નિયમ 34.1.1 મુજબ જો બેટ્સમેન બોલ રમી ચુક્યો હોય અથવા બોલ પ્લેમાં હોય (ફિલ્ડર અડે તે પહેલા) તો બોલ તેના બેટ અથવા શરીરને અથડાય છે અને બેટ્સમેન જાણી જોઈને તેને બેટ અથવા શરીરના કોઈ પણ ભાગથી બીજી વખત ફટકારવાનો પ્રયાસ કરે છે (તેના હાથ સિવાય જેમાં બેટ પકડેલ નથી). તો તેને આઉટ આપવામાં આવે છે. જોકે જો બેટ્સમેન બોલને વિકેટ તરફ જતા અટકાવે તો તે આઉટ થતો નથી.
આ પણ વાંચો – આઈપીએલ 2026 હરાજી : 173 ખેલાડીઓ રિટેન, 77 સ્લોટ ખાલી, જાણો હરાજી સાથે જોડાયેલી ખાસ વાતો
હવે એક ગૂંચવણ એ પણ છે કે બેટ્સમેન બોલને વિકેટ તરફ જતો અટકાવી શકે છે, તો પછી લામબમ સિંહને કેમ આઉટ આપવામાં આવ્યો ? ઈએસપીએન ક્રિકઈન્ફોના જણાવ્યા અનુસાર એવું પણ બને છે કે જો બેટ્સમેન પગથી બોલને ટચ કરે તો તેને આઉટ આપવામાં આવતો નથી. હાલ રણજીમાં બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો નથી. વીડિયો જેટલો જલ્દી બહાર આવશે ત્યારે તે સ્પષ્ટ થશે બેટ્સમેન ફરીથી બોલ પર બેટ ક્યારે લગાવ્યું હતું. રવિચંદ્રન અશ્વિન પણ આ વિકેટથી ખુશ દેખાયો ન હતો.
રણજી ટ્રોફીના ઈતિહાસમાં આવી પાંચમી ઘટના બની
છેલ્લે 2005માં ઝારખંડ સામે જમ્મુ-કાશ્મીરનો ધ્રુવ મહાજન આવી રીતે આઉટ થયો હતો. આ સિવાય આંધ્ર પ્રદેશના કે બાવન્ના (1963-64), જમ્મુ-કાશ્મીરના શાહિદ પરવેઝ (1986-87) અને તામિલનાડુના આનંદ જ્યોર્જ (1998-99)પણ આ જ રીતે આઉટ થયા હતા.





