KER vs GUJ : કેરળે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત સામે રમાઈ રહેલી પ્રથમ સેમિફાઇનલના પાંચમા દિવસે કેરળે ગુજરાતને 455 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. કેરળે પ્રથમ ઇનિંગમાં 457 રન બનાવ્યા હતા. આ રીતે કેરળને પ્રથમ ઇનિંગના આધારે 2 રનની લીડ મળી હતી.
શુક્રવારે મેચનો પાંચમો અને અંતિમ દિવસ છે અને પરિણામની શક્યતા ખૂબ ઓછી છે. આવી સ્થિતિમાં નિયમ મુજબ પ્રથમ ઇનિંગમાં લીડ મેળવનાર ટીમ જીતે છે. આ રીતે કેરળે રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
કેરળ પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું
કેરળ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. 1951-52માં રણજી ટ્રોફીમાં પ્રથમ વખત ભાગ લીધા પછી આ પહેલી વાર છે જ્યારે ટીમ ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં કેરળનો મુકાબલો વિદર્ભ સામે થાય તેવી શક્યતા છે.
સેમિફાઇનલ મેચનો પાંચમો દિવસ નાટકીય રહ્યો
સેમિફાઇનલ મેચનો પાંચમો દિવસ નાટકીય રહ્યો હતો. પ્રથમ ઇનિંગની લીડના આધારે ફાઇનલમાં પહોંચવા માટે કેરળને ગુજરાતને 457 રન સુધી મર્યાદિત રાખવાની જરુર હતી. જોકે ગુજરાતની ટીમ 455 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ 2 રનથી ફાઇનલથી વંચિત રહી હતી.
આ પણ વાંચો – મોહમ્મદ શમીએ રેકોર્ડની વણઝાર સર્જી, એક જ મેચમાં મેળવી આટલી બધી સિદ્ધિ
ચોથા દિવસની રમત શરુ થઈ તે પહેલા ગુજરાતનો સ્કોર 7 વિકેટે 429 રન હતો. તેઓ કેરળથી 28 રનથી પાછળ હતા. જયમીત પટેલ 74 રને અને સિદ્ધાર્થ દેસાઈ 24 રને ક્રિઝ પર હતા. કેરળે 26 રનમાં 3 વિકેટ પાડીને ગુજરાતને 455 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
ગુજરાતે આખરી દિવસે 436 રને જયમીત પટેલ, 446 રને સિદ્ધાર્થ દેસાઈઅને 455 રનના સ્કોર પર અર્જન નાગવાસવાલાની વિકેટ ગુમાવી હતી. આ મેચમાં પ્રિયાંક પંચાલે સદી ફટકારી હતી. અગાઉ કેરળે જમ્મુ-કાશ્મીર સામે માત્ર 1 રનની સરસાઈ સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.
ગુજરાત તરફથી પ્રિયાંક પંચાલની સદી
ગુજરાત તરફથી પ્રિયાંક પંચાલે 237 બોલમાં 148 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત આર્યન દેસાઈએ 73 અને જયમીત પટેલે 79 રન કર્યા હતા. મનન હિંગરાજિયાએ 33 અને સિદ્ધાર્થ દેસાઈએ 30 રન ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈના કન્કશન સબસ્ટીટ્યૂટ હેમાંગ પટેલે 27 અને ઉર્વિલ પટેલે 25 રન બનાવ્યા હતા. કેપ્ટન ચિંતન ગજાએ 2, વિશાલ જયસ્વાલે 14 અને અર્જન નાગવાસવાલાએ 10 રન ફટકાર્યા હતા. પ્રિયજીતસિંહ જાડેજા 3 રને અણનમ રહ્યો હતો.
જલજ સક્સેના અને આદિત્ય સરવટેએ 4-4 વિકેટ ઝડપી
કેરળ તરફથી જલજ સક્સેના અને આદિત્ય સરવટેએ 4-4 વિકેટ ઝડપી હતી. એમડી નિધિશ અને નેદુમાનકુઝી તુલસીએ 1-1 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ અઝહરુદ્દીને કેરળની પ્રથમ ઈનિંગમાં અણનમ 177 રન ફટકાર્યા હતા. કેપ્ટન સચિન બેબીએ 69 અને સલમાન નિજરે 52 રન બનાવ્યા હતા.