Ranji Trophy 2025 : રણજી ટ્રોફી 2025-26ના બીજા રાઉન્ડમાં પૃથ્વી શો એ આક્રમક બેટિંગ કરતા શાનદાર બેવડી સદી ફટકારી હતી. મહારાષ્ટ્રના ઓપનર પૃથ્વી શો એ 141 બોલમાં બેવડી સદી ફટકારીને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રવિ શાસ્ત્રી અને વીરેન્દ્ર સેહવાગની ક્લબમાં સ્થાન મેળવ્યું હતું. પૃથ્વી શો એ 156 બોલમાં 29 ફોર અને 5 સિક્સરની મદદથી 222 રન ફટકાર્યા હતા.
રણજી ટ્રોફીના બીજા રાઉન્ડના ત્રીજા દિવસે પૃથ્વી શો એ 13 ફોરની મદદથી 72 બોલમાં 16મી ફાસ્ટેસ્ટ સદી પુરી કરી હતી. આ પછી તેણે આગામી 54 બોલમાં 80 રન બનાવ્યા હતા.
તન્મય અગ્રવાલ સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર પ્લેયર
પૃથ્વી શો રણજી ટ્રોફી એલિટ પેનલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. રવિ શાસ્ત્રીએ 1984-85માં 123 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ બેવડી સદીનો રેકોર્ડ તન્મય અગ્રવાલના નામે છે. હૈદરાબાદના ઓપનરે જાન્યુઆરી 2024માં રણજી ટ્રોફી પ્લેટ ટૂર્નામેન્ટમાં 119 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
આ પણ વાંચો – રોહિત શર્માએ સદી ફટકારી તોડ્યા ઘણા રેકોર્ડ, સચિન, કોહલી અને સંગાકારા રહ્યા પાછળ
સેહવાગની ક્લબમાં જોડાયો
પૃથ્વી શો હવે વીરેન્દ્ર સેહવાગ બાદ 200 બોલમાં એક કરતાં વધુ ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. સેહવાગે ભારત માટે ટેસ્ટ મેચમાં ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
| બોલ | ખેલાડી | મેચ | સ્થળ | સત્ર |
| 119 | તન્મય અગ્રવાલ | હૈદરાબાદ વિ અરુણાચલ પ્રદેશ (પ્લેટ ગ્રુપ) | નેક્સજેન ક્રિકેટ ગ્રાઉન્ડ, સિકંદરાબાદ | 2023/24 |
| 123 | રવિ શાસ્ત્રી | બોમ્બે વિ બરોડા | વાનખેડે સ્ટેડિયમ, બોમ્બે | 1984/85 |
| 141 | પૃથ્વી શો | મહારાષ્ટ્ર વિ ચંદીગઢ | ક્રિકેટ સ્ટેડિયમ, સેક્ટર-16, ચંદીગઢ | 2025/26 |
| 143 | જી રાહુલ સિંહ | હૈદરાબાદ વિ નાગાલેન્ડ | સોવિમા ક્રિકેટ સ્ટેડિયમ, દીમાપુર | 2023/24 |
| 146 | એસ.એસ. કૌથનકર | ગોવા વિ અરુણાચલ પ્રદેશ | ગોવા ક્રિકેટ એસોસિએશન એકેડેમી ગ્રાઉન્ડ, પોરવોરીમ | 2024/25 |
| 156 | આર.કે. બોરા | આસામ વિ બિહાર | મેટલર્જિકલ એન્ડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ SAIL સ્ટેડિયમ, રાંચી | 1991/92 |
| 168 | વીરેન્દ્ર સહેવાગ | ભારત વિ શ્રીલંકા | બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ | 2009/10 |
| 171 | ગુરેન્દર સિંહ | ચંદીગઢ વિ મણિપુર | વીડિયોકોન એકેડેમી ગ્રાઉન્ડ, કોલકાતા | 2019/20 |
| 171 | એસ.કે. પટેલ | ગોવા વિ મિઝોરમ | કલકત્તા ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડ, કલકત્તા | 2019/20 |
| 174 | પૃથ્વી શો | મુંબઈ વિ બરોડા | રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ, વડોદરા | 2019/20 |





