Cheteshwar Pujara Double Hundred : ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફી સિઝન 2023-24ની શાનદાર શરૂઆત કરતા પ્રથમ મેચની પ્રથમ ઇનિંગ્સમાં જ અણનમ બેવડી સદી ફટકારી હતી અને ટીમના સ્કોરને 500ને પાર પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પૂજારા હાલના દિવસોમાં ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે અને અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાને ભારતમાં 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે અને આ માટે ટીમની જાહેરાત હજુ બાકી છે.
આ ઇનિંગ્સ બાદ પૂજારા ચોક્કસપણે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરશે કારણ કે ભારત માટે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં ત્રીજા નંબર પર શુભમન ગિલનું પ્રદર્શન સારું રહ્યું નથી. આ સ્થિતિમાં જો પૂજારા ટીમમાં આવે છે તો તે આ નંબર પર શુભમન ગિલ માટે ખતરો બની શકે છે.
પૂજારાએ અણનમ બેવડી સદી ફટકારી
સૌરાષ્ટ્ર તરફથી રમતા પુજારાએ ઝારખંડ સામે પ્રથમ ઈનિંગમાં 356 બોલમાં અણનમ 243 રન ફટકાર્યા હતા અને આ દરમિયાન તેણે 30 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પુજારાની આ 17મી બેવડી સદી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 317 બોલમાં બેવડી સદી પુરી કરી હતી. આ મેચમાં પૂજારાએ અર્પિત વસાવડા સાથે ચોથી વિકેટ માટે 176 રનની ભાગીદારી કરી હતી, જ્યારે પાંચમી વિકેટ માટે પ્રેરક માંકડ સાથે અણનમ 256 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર, આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાન મેચ
પ્રેરક માંકડે અણનમ સદી ફટકારી
પૂજારા ઉપરાંત પ્રેરક માંકડે પણ પોતાની ટીમ વતી આ ઇનિંગમાં અણનમ સદી ફટકારી હતી અને તેણે 176 બોલમાં 104 રનની અણનમ ઇનિંગ રમી હતી. સૌરાષ્ટ્ર માટે ઓપનર હરવિક દેસાઈએ પણ આ ઈનિંગમાં 85 રન ફટકાર્યા હતા. આ સિવાય શેલ્ડન જેક્સને 54 રન ફટકાર્યા હતા જ્યારે અર્પિત વસાવડાએ 68 રન ફટકાર્યા હતા. બેવડી સદી, એક સદી અને ત્રણ અડધી સદીના આધારે સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગ્સમાં 4 વિકેટે 578 રન ફટકારીને ઈનિંગ્સ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગ્સમાં ઝારખંડની ટીમે 142 રન ફટકાર્યા હતા. જેના કારણે સૌરાષ્ટ્રને પ્રથમ ઈનિંગ્સમાં 436 રનની મહત્વની સરસાઈ મળી હતી.





