Virat Kohli Ranji Trophy Match : દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી પણ ભાગ લઈ રહ્યો છે. આ જ કારણ છે કે મેચના પહેલા દિવસે 15 હજાર પ્રશંસકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. મેચ દરમિયાન પ્રશંસકોને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે એન્ટ્રી સમયે ભારે ભીડ હતી. ડીડીસીએએ પ્રવેશ સમય માટે માત્ર એક જ દરવાજો ખોલ્યો હતો. કોઈને ઈજાના અહેવાલ મળ્યા નથી. પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી પૂર્ણતિથિ હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટની મુલાકાતે આવવાના હોવાથી બહાદુર શાહ ઝફર માર્ગ સામાન્ય લોકો માટે બંધ હતો. સ્ટેડિયમમાં ઉપસ્થિત જનસત્તાના રિપોર્ટર તનિષ્ક તોમરે આ વાત કહી હતી.
પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો
સ્ટેન્ડ્સ ભરી ગયા બાદ ડીડીસીએ ગેટ નંબર 16 બંધ કરી દીધો હતો. ત્યાં લોકોની ભારે ભીડ હતી, જેના કારણે ડીડીસીએને ગેટ નંબર 18 પણ ખોલવો પડ્યો હતો. ગેટ નંબર 16ની અંદર જવા જતાં પાંચ વર્ષનો એક છોકરો પણ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસકર્મીઓની બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. સાથે જ એક પોલીસકર્મીને ઈજા થતાં પાટો બાંધવો પડ્યો હતો.
આ પણ વાંચો – પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ખુલાસો, કહ્યું – ગૌતમ ગંભીર મા-બહેન વિશે અપશબ્દો કહેતા હતા
રણજી મેચમાં નથી જોવા મળ્યો આવો નજારો
અશોક વર્માએ પીટીઆઈને કહ્યું હતું કે હું 30 વર્ષથી દિલ્હી ક્રિકેટનો ભાગ છું, મેં રણજી ટ્રોફીમાં આવો માહોલ ક્યારેય જોયો નથી. કોહલીની લોકપ્રિયતાનો કોઈ જવાબ નથી. આ એટલા માટે પણ વધુ મુશ્કેલરુપ બન્યું કારણ કે પ્રેક્ષકો સ્ટેડિયમમાં તે જ સમયે આવી રહ્યા હતા જે સમયે બહાર વડા પ્રધાન મોદીની વીઆઈપી મૂવમેન્ટ હતી. કડક પ્રોટોકોલ અને પોલીસની સૂચનાને અનુસરીને અમારે લોકો માટે બીજું સ્ટેન્ડ ખોલવું પડ્યું હતું.
તેમણે કહ્યું કે ગૌતમ ગંભીર સ્ટેન્ડ ખીચોખીચ ભરાઇ ગયા બાદ બિશનસિંહ બેદી સ્ટેડિયમનો નીચેનો ભાગ પણ ભરાઈ ગયો હતો. ટોસ સમયે 12 હજારથી વધુ દર્શકો મેદાનમાં હતા. મેચ દરમિયાન એક ચાહક કોહલીને મળવા મેદાન પર પહોંચ્યો હતો. તે જાળી કુદીને મેદાનમાં આવી ગયો હતો. વિરાટ કોહલી લગભગ 13 વર્ષ પછી રણજી ટ્રોફી મેચ રમવા મેદાનમાં ઉતર્યો છે. દિલ્હી સામે રેલવેએ અંતિમ અહેવાલ મળ્યા ત્યારે 54 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવી લીધા છે.





