રણજી ટ્રોફી ફાઇનલ : મુંબઈએ 8 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો, વિદર્ભને હરાવી 42મી વખત ચેમ્પિયન બન્યું

Ranji Trophy Final: રણજી ટ્રોફી ફાઈનલમાં મુંબઈએ વિદર્ભ સામે 169 રને વિજય મેળવ્યો. મુંબઈએ આપેલા 538 રનના પડકાર સામે વિદર્ભની ટીમ 368 રનમાં ઓલઆઉટ

Written by Ashish Goyal
March 14, 2024 15:47 IST
રણજી ટ્રોફી ફાઇનલ : મુંબઈએ 8 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો, વિદર્ભને હરાવી 42મી વખત ચેમ્પિયન બન્યું
રણજી ટ્રોફી ફાઈનલ 2024માં વિદર્ભને 169 રને હરાવી અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની મુંબઈની ટીમ 42મી વખત ચેમ્પિયન બની (તસવીર - સચિન તેંડુલકર ટ્વિટર)

Ranji Trophy Final: રણજી ટ્રોફી ફાઈનલ 2024માં વિદર્ભને 169 રને હરાવી અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની મુંબઈની ટીમ 42મી વખત ચેમ્પિયન બની છે. તેણે 8 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો હતો. આ પહેલા તે 2015-16માં ચેમ્પિયન બની હતી. મુંબઈની ટીમ 48મી વખત રણજીની ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે વિદર્ભ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. મુંબઈએ આપેલા 538 રનના પડકાર સામે વિદર્ભની ટીમ 368 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

વિદર્ભે બીજી ઈનિંગ્સમાં લડત આપી

પ્રથમ ઈનિંગ્સમાં 105 રનમાં ખખડી ગયા બાદ વિદર્ભે બીજી ઈનિંગ્સમાં જબરજસ્ત લડત આપી હતી. 538 રનના ટાર્ગેટના જવાબમાં વિદર્ભે કેપ્ટન અક્ષય વાડેકરની સદી અને કરુણ નાયર અને હર્ષ દુબેની અડધી સદીની મદદથી મેચને રોમાંચક બનાવી દીધી હતી. ગુરુવારે (14 માર્ચ) પહેલા સેશનમાં અક્ષય વાડેકર અને હર્ષ દુબેએ મેચના 5માં દિવસે શાનદાર બેટિંગ કરી હતી. એક પણ વિકેટ પડવા દીધી ન હતી. આ જોઈને લાગી રહ્યું હતું કે મેચ કોઇપણ પક્ષમાં જઇ શકે છે.

ધવલ કુલકર્ણીએ વિકેટ સાથે કારકિર્દીનો અંત આણ્યો

અક્ષય વાડેકરે લંચ બાદ પોતાની સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેની વિકેટ પડી અને પછી વિદર્ભના બેટ્સમેનો એક પછી એક જલ્દી આઉટ થયા હતા. મુંબઈ તરફથી છેલ્લી વિકેટ ધવલ કુલકર્ણીએ લીધી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની છેલ્લી મેચ હતી. આ રીતે તેણે વિકેટ સાથે પોતાની ક્રિકેટ કારકિર્દીનો અંત આણ્યો હતો. તેણે ઉમેશ યાદવને બોલ્ડ કર્યો હતો.

આ પણ વાંચો – વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ 2024માં નહીં રમે? કેએલ રાહુલ અંગે પણ સસ્પેન્સ : રિપોર્ટ

વિદર્ભે 15 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી

વિદર્ભે 353 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. આ પછી ટીમ 368 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. તેણે 15 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. પાંચેય વિકેટ 5 ઓવરની અંદર જ પડી ગઈ હતી. મુંબઈ તરફથી તનુષ કોટિયાએ 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તુષાર દેશપાંડે અને મુશિર ખાને 2-2 વિકેટ ઝડપી હતી. શમ્સ મુલાની અને ધવલ કુલકર્ણીએ 1-1 વિકેટ ઝડપી હતી.

વિદર્ભની બીજી ઈનિંગ્સ

વિદર્ભની બીજી ઇનિંગ્સની વાત કરીએ તો ઓપનર અથર્વ તાડેએ 32 અને ધ્રુવ શૌર્યએ 28 રન બનાવ્યા હતા. અમન મોઝે 32, કરુન નાયરે 74 અને યશ રાઠૌરે 7 રન ફટકાર્યા હતા. અક્ષય વાડેકરે 102 અને હર્ષ દુબેએ 65 રન ફટકાર્યા હતા. આદિત્ય સરવટે 3, યશ ઠાકુર અને ઉમેશ યાદવે 6-6 રન ફટકાર્યા હતા. આદિત્ય ઠાકરે ખાતુ ખોલાવ્યા વગર અણનમ રહ્યો હતો.

મુંબઈની બેટિંગ

આ પહેલા મુશિર ખાનના 136 અને શ્રેયસ ઐયરના શાનદાર 95 રનની મદદથી મુંબઈએ બીજી ઈનિંગ્સમાં 418 રન બનાવ્યા હતા. શ્રેયસની પીઠની ઈજા સામે આવી છે. તે ત્રીજા અને ચોથા દિવસે ફિલ્ડિંગ કરવા ઉતર્યો નથી. આ ઉપરાંત કેપ્ટન અજિંક્ય રહાણેએ 73 અને શમ્સ મુલાનીએ 50 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ પ્રથમ ઈનિંગમાં 224 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. વિદર્ભ પ્રથમ ઇનિંગ્સમાં 105 રન બનાવી આઉટ થઈ ગયું હતું. મુંબઈએ પ્રથમ ઈનિંગમાં 119 રનની લીડ મેળવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ