Anshul Kamboj 10 Wickets : રણજી ટ્રોફીમાં હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કંબોજે ઇતિહાસ રચતા એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. 23 વર્ષીય અંશુલ કંબોજે રણજી ટ્રોફીમાં એલિટ ગ્રુપ-સી માં કેરળ સામે આ સિદ્ધિ મેળવી હતી. અંશુલ પ્રથમ શ્રેણીમાં 10 વિકેટ ઝડપનાર છઠ્ઠો ભારતીય બન્યો છે.
30.1 ઓવરમાં 49 રનમાં 10 વિકેટ ઝડપી
રોહતકમાં હરિયાણા અને કેરળ વચ્ચે રમાતી રણજી ટ્રોફીના ત્રીજા દિવસે અંશુલ કંબોજે 10 વિકેટ ઝડપવાની કમાલ કરી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 30.1 ઓવરમાં 49 રન આપી 10 વિકેટ ઝડપી હતી. અશુંલના તરખાટના કારણે કેરળ 291 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
રણજી ટ્રોફીમાં ત્રીજો ભારતીય બન્યો
અંશુલ રણજી ટ્રોફીમાં એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બન્યો છે. આ પહેલા 1956માં બંગાળના પ્રેમાંગશુ ચેટર્જીએ અસમ સામે 20 રનમાં 10 વિકેટ ઝડપી હતી. 1985માં રાજસ્થાનના પ્રદીપ સુંદરમે વિદર્ભ સામે 78 રનમાં 10 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – સ્નેહલ કૌથનકર અને કશ્યપ બાકલેની ત્રેવડી સદી, રણજી ટ્રોફીના ઇતિહાસની સૌથી મોટી ભાગીદારી નોંધાવી
એક ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપનાર ભારતીય
- 10/20 : પ્રેમાંગશુ ચેટર્જી (બંગાળ), હરિફ – અસમ, 1956-57, રણજી ટ્રોફી
- 10/46 : દેબાશિષ મોહંતી (વેસ્ટ ઝોન), હરિફ – દક્ષિણ ઝોન, 2000-01, દુલિપ ટ્રોફી
- 10/49 : અંશુલ કંબોજ (હરિયાણા), હરિફ – કેરળ, 2024-25, રણજી ટ્રોફી
- 10/74 : અનિલ કુંબલે (ભારત), હરિફ – પાકિસ્તાન, 1999, કોટલા ટેસ્ટ મેચ
- 10/78 : પ્રદીપ સુંદરમ (રાજસ્થાન), હરિફ – વિદર્ભ, 1885-86, રણજી ટ્રોફી
- 10/78 : સુભાષ ગુપ્તે (મુંબઈ), હરિફ – પાકિસ્તાન કમ્બાઇંડ સર્વિસેસ અને બહાવલપુર ઇલેવન, 1954-55





