Shubman Gill Century : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સદંતર નિષ્ફળ રહ્યો હતો અને તે પછી તે ડોમેસ્ટિક ક્રિકેટ તરફ વળ્યો હતો. રણજીની આ સિઝનમાં શુભમન ગિલે કર્ણાટક સામે પંજાબની કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી, પરંતુ તે પહેલી ઈનિંગમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. જોકે તેણે બીજી ઈનિંગમાં જોરદાર વાપસી કરી હતી.
કર્ણાટક સામે પ્રથમ ઇનિંગમાં માત્ર 4 રન બનાવી આઉટ થયેલા ગિલે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની ટીમ પંજાબ માટે ઓપનિંગ કર્યું હતું અને ફોર્મમાં પરત ફર્યો હતો. ગિલનું ફોર્મમાં પરત ફરવું ભારત માટે એક સારા સમાચાર છે કારણ કે ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી પાંચ ટી-20 મેચોની સીરીઝ બાદ ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભાગ લેવાનો છે.
ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ગિલ કેપ્ટન રોહિત સાથે ટીમ માટે ઓપનિંગ કરશે અને તેનું ફોર્મમાં પુનરાગમન ભારત માટે ખુબ જ સારા સમાચાર છે.
શુભમન ગિલની સદી
પંજાબની ટીમે બીજી ઇનિંગમાં 84 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ગિલ એક તરફ ઉભો રહ્યો હતો અને આખરે 159 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને તેની ઇનિંગ દરમિયાન તેણે 3 સિક્સર અને 14 ફોર પણ ફટકારી હતી. ગિલની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ 14મી સદી હતી.
આ પણ વાંચો – કર્ણાટક સ્ટાર બેટ્સમેન સ્મરણ રવિચંદ્રન ફરી ચર્ચામાં, બેવડી સદી ફટકારી
જ્યારે રણજીની આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં તેણે સદી ફટકારી હતી. જોકે ગિલ બીજી ઈનિંગમાં 102 રન બનાવી આઉટ થયો હતો અને આ દરમિયાન તેણે 171 બોલનો સામનો કર્યો હતો.
પંજાબનો ઇનિંગ્સ અને 207 રને પરાજય
આ મેચની પ્રથમ ઈનિંગમાં પંજાબની ટીમ ગિલની કેપ્ટન્સીમાં માત્ર 55 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી અને તે પછી મયંક અગ્રવાલની કેપ્ટન્સી હેઠળની કર્ણાટકની ટીમે પ્રથમ ઈનિંગમાં 475 રન ફટકાર્યા હતા અને 420 રનની મોટી સરસાઈ મેળવી હતી.
પંજાબને આ મેચમાં જીતવા માટે 421 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ બીજી ઈનિંગમાં 213 રન બનાવી આઉટ થઈ ગઈ હતી અને ટીમ ઇનિંગ્સ અને 207 રનથી હારી ગઈ હતી. ગિલે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ તે પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો.





