Ranji Trophy : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવે વચ્ચે મેચ રમાઇ રહી છે, પરંતુ આ મેચ દરમિયાન ખેલાડીઓ કદાચ સુરક્ષિત નથી. આ મેચના ત્રીજા દિવસે જ્યારે દિલ્હીની ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મળવા માટે 3 પ્રશંસકો જબરદસ્તીથી મેદાનમાં ઘુસી ગયા હતા. આ ત્રણમાંથી 2 સગીર હતા. જેમાંથી એક પ્રશંસક વિરાટ કોહલીના પગે પણ પડ્યો હતા. આવી ઘટના સામે આવ્યા બાદ અરુણ જેટલી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
3 ક્રિકેટ પ્રશંસકો સુરક્ષા ઘેરાબંધી તોડીને મેદાન પર પહોંચ્યા
આ મેચના ત્રીજા દિવસે એટલે કે શનિવારે રમતના પહેલા સેશન દરમિયાન 3 ક્રિકેટ પ્રશંસકો સિક્યોરિટી કોર્ડન તોડીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટના 18મી ઓવરમાં ત્રીજા દિવસે બીજી ઇનિંગ દરમિયાન બની હતી જ્યારે દિલ્હીની ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી.
આ દરમિયાન 3 પ્રશંસકો ગૌતમ ગંભીર સ્ટેન્ડમાંથી બહાર આવ્યા અને અચાનક વિરાટ કોહલી તરફ દોડી ગયા હતા. તેમાંથી એક કોહલીના પગે પડ્યો હતો, જે પછી ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે તેને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમાં બે સગીર હતા અને એકની ઉંમર 18 વર્ષથી વધુ હતી.
વિરાટ કોહલી 13 વર્ષ પછી રણજી મેચ રમી રહ્યો છે
વિરાટ કોહલી 13 વર્ષ બાદ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં દિલ્હીની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. કોહલીને હોમગ્રાઉન્ડ પર રમતો જોવા માટે ભારે ભીડ એકઠી થઈ રહી છે અને આ મેચના પહેલા જ દિવસે વિરાટ કોહલીને મળવા માટે એક ક્રિકેટ પ્રશંસક મેદાનમાં ઘુસી ગયો હતો. પહેલા દિવસે પણ તે વ્યક્તિ કોહલી પગે પડવા સફળ રહ્યો હતો.
આ પણ વાંચો – વિરાટ કોહલીને જોવા હજારો પ્રશંસકો ઉમટ્યા, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ
આ મેચ દરમિયાન બીજી વખત આ પ્રકારની ઘટના બની હતી, જે યોગ્ય નથી. જો આવી ઘટના મોટા ખેલાડી સાથે બે વખત બને તો તે સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જે તે નક્કી જ છે.
આ મેચના પહેલા અને બીજા દિવસે ભારે ભીડ હતી, પરંતુ બીજા દિવસે વિરાટ કોહલી જેવો જ આઉટ થયો કે તરત જ આખું મેદાન લગભગ ખાલી થઈ ગયું હતું. જ્યારે રમતના ત્રીજા દિવસે મેદાન પર એટલી ભીડ ન હતી. કદાચ ક્રિકેટ ચાહકો કોહલીની બેટિંગની રાહ જોઈ રહ્યા છે. જોકે દિલ્હીની એક ઇનિંગ્સથી જીત થતા કોહલીની બીજી ઈનિંગમાં બેટિંગ આવશે નહીં. કોહલીએ આ મેચની પ્રથમ ઇનિંગમાં નિરાશ કર્યા હતા અને પછી 6 રન બનાવી આઉટ થયો હતો.
દિલ્હીનો ઇનિંગ્સ અને 19 રને વિજય
રણજી ટ્રોફીમાં દિલ્હીનો રેલવે સામે ઇનિંગ્સ અને 19 રને વિજય થયો છે. રેલવેએ પ્રથમ દાવમાં 241 બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા. રેલવે બીજા દાવમાં 114 રનમાં ઓલઆઉટ થયું હતું.





