Ravichandran Ashwin Net Worth : ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિનને ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ગાબા ટેસ્ટમાં ભારતીય ટીમની પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ ટેસ્ટ ડ્રો થયા બાદ પત્રકાર પરિષદમાં ભારતીય સ્પિનરે નિવૃત્તિ અંગેની માહિતી આપી હતી. અનિલ કુંબલે બાદ તે દેશમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા નંબર પર છે. અમે તમને આર અશ્વિનની નેટવર્થ, પ્રોપર્ટી અને કાર કલેક્શન વિશે જણાવી રહ્યા છીએ.
રવિચંદ્રન અશ્વિનની નેટવર્થ
સ્પોર્ટ્સકીડાના રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં રવિચંદ્રન અશ્વિનની નેટવર્થ લગભગ 132 કરોડ રૂપિયા છે. તેની અપાર સંપત્તિમાં ક્રિકેટ કારકિર્દીનો સૌથી મોટો ફાળો છે. જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મેચોની આવક તેમજ આઇપીએલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અશ્વિન પાસે ઘણી મોટી બ્રાન્ડ્સની એડવર્ટાઇઝિંગ ડીલ્સ પણ છે, જેના કારણે તેને ઘણી કમાણી થાય છે.
બીસીસીઆઈ તરફથી મળતી સેલેરી
વર્ષ 2022-23માં બીસીસીઆઇએ અશ્વિનને ગ્રેડ-એના ખેલાડીઓની યાદીમાં સ્થાન આપ્યું હતું. આ કરારથી તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા સેલેરી મળતી હતી.
આઈપીએલથી થતી કમાણી
આર અશ્વિનની આઇપીએલની સફર 2008માં શરૂ થઇ હતી પરંતુ 2010માં તેણે પોતાના અનોખા ‘કેરમ બોલ’થી ઘણી પ્રશંસા મેળવી હતી. વર્ષ 2016માં ચેન્નઈ સુપર કિંગ્સ બાદ તેને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે ખરીદ્યો હતો. અશ્વિનને 2018માં કિંગ્સ ઇલેવન પંજાબે 7.6 કરોડમાં ખરીદ્યો હતો અને તે ટીમનો કેપ્ટન બન્યો હતો. વર્ષ 2024માં યોજાયેલી આઇપીએલની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે તેને 5 કરોડમાં ખરીદ્યો હતો.
આ પણ વાંચો – બિશન બેદી, અનિલ કુંબેલની લિસ્ટમાં સામેલ રવિચંદ્રન અશ્વિન, આ છે કારકિર્દીના સૌથી મોટા રેકોર્ડ
હવે 2025માં યોજાનારી આઇપીએલની સિઝન માટે તેને ફરી એકવાર ચેન્નાઇ સુપર કિંગ્સે ખરીદ્યો છે. સીએસકેએ તેમના માટે 9.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
ચેન્નાઈમાં આલિશાન ઘર
જાણકારી અનુસાર સફળ ક્રિકેટ કરિયર અને કમાણીના કારણે અશ્વિને વર્ષ 2021માં ચેન્નઈમાં એક આલીશાન બંગલો ખરીદ્યો હતો. આ ઘરની કિંમત લગભગ 9 કરોડ છે. આ ઘરમાં તે પોતાની પત્ની પ્રીતિ અશ્વિન અને બે દીકરીઓ સાથે રહે છે. જાણકારી અનુસાર અશ્વિને અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં લગભગ 26 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
અશ્વિનને લક્ઝરી કારનો પણ શોખ છે. તેની પાસે 6 કરોડની કિંમતની રોલ્સ રોયસ કાર છે. આ ઉપરાંત 93 લાખ રૂપિયાની કિંમતની ઓડી ક્યૂ7 પણ તેના કાર કલેક્શનમાં સામેલ છે.
જાહેરાત અને બ્રાન્ડ
ફિલ્ડમાં હિટ રહેલા આર અશ્વિને મેદાનની બહાર પોતાનો જલવો જાળવી રાખ્યો હતો અને આ જ કારણે તેને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી થઇ હતી. રિપોર્ટ્સ અનુસાર તે એક જાહેરાત માટે લગભગ 4.5 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જેમાં ઝૂમકાર, મૂવ, મિન્ત્રા, મન્ના હેલ્થ, બોમ્બે શેવિંગ કંપની, એરસ્ટોક્રેટ બેગ્સ, કોલગેટ, કોકાકોલા અને ઓપ્પો જેવી ઘણી જાણીતી કંપનીઓનું નામ છે.
અશ્વિન ક્રિકેટ કારકિર્દી
આર અશ્વિન ભારત તરફથી 106 ટેસ્ટ, 116 વન ડે અને 65 ટી 20 મેચ રમ્યો છે. ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી છે અને 3503 રન બનાવ્યા છે. વન-ડેમાં 156 વિકેટ ઝડપી છે અને 707 રન બનાવ્યા છે. ટી 20માં 72 વિકેટ ઝડપી છે.





