IND vs ENG : ઈંગ્લેન્ડે ભારત સામેની બીજી વન ડેમાં 304 રન ફટકાર્યા હતા. ટીમે શાનદાર બેટિંગ કરી પરંતુ ફરી એકવાર પોતાને ઓલઆઉટ થવાથી બચાવી શકી નહીં. ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં કમાલ કરી હતી. આ ખેલાડીએ ત્રણ વિકેટ ઝડપીને ઘણા રેકોર્ડ તોડ્યા જ પરંતુ 73 સેકન્ડમાં ઓવર પૂરી કરીને બધાને ચોંકાવી દીધા.
જાડેજાએ 24મી ઓવર ફેંકી હતી જેમાં તેણે કોઈ રન આપ્યા ન હતા. હેરી બ્રુક બોલને ડિફેન્ડ કરતો જોવા મળ્યો હતો. લાઇવ સ્ટ્રીમિંગ અનુસાર જાડેજાએ આ ઓવર માત્ર 73 સેકન્ડમાં પૂરી કરી હતી. કોમેન્ટેટર્સે પણ આ માહિતી આપી હતી જે ચોંકાવનારી છે.
યુનુસ ખાનના નામે સૌથી ઝડપી ઓવર પુરી કરવાનો રેકોર્ડ
જાડેજાએ આ પહેલા 2021માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 64 સેકન્ડમાં પોતાની ઓવર પુરી કરી દીધી હતી. જોકે સૌથી ઝડપી ઓવર પુરી કરવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન યુનુસ ખાનના નામે છે. યુનુસ ખાને ઇંગ્લેન્ડ સામે ફર્સ્ટ ક્લાસ મેચમાં 35 સેકન્ડમાં ઓવર પુરી કરી નાખી હતી.
જાડેજા ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે બીજા સ્થાને
આ મેચમાં જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે બેન ડકેટને 65 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જો રૂટને 69ના સ્કોર પેવેલિયન મોકલી દીધો હતો. જેમી ઓવરટન પણ તેનો શિકાર બન્યો હતો. ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે જાડેજા હવે બીજા સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચો – કાવ્યા મારન વધુ એક નવી ટીમની માલિક બની! જાણો લીગ ક્રિકેટની માલેતુજાર મહિલા માલિક વિશે
જાડેજાની હવે ઇંગ્લેન્ડ સામે 119 વિકેટ છે. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. કુંબલેએ 117 વિકેટ ઝડપી હતી. આ લિસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનું નામ સૌથી ઉપર છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામે 150 વિકેટ ઝડપી છે.જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13મી વખત જો રૂટને આઉટ કર્યો હતો. તે વન-ડેમાં સૌથી વધુ વખત રુટને આઉટ કરનારો બોલર બની ગયો છે.
બીજી વન-ડેમાં ભારતનો વિજય
ઈંગ્લેન્ડની ટીમ જો રૂટ (69 રન) અને બેન ડકેટ (65 રન)ની અડધી સદીની 49.5 ઓવરમાં 304 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ત્રણ જ્યારે મોહમ્મદ શમી, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી. ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રોહિત શર્માએ 119 અને શુભમન ગિલે 60 રન બનાવ્યા હતા.