ravindra jadeja Response kapil dev : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારતને પહેલી વખત વર્લ્ડ કપ વિજેતા બનાવનારા કેપ્ટન કપિલ દેવને વળતો જવાબ આપતા કહ્યું છે કે હાલની ટીમમાં કોઈ અહંકાર નથી. દરેકનો વ્યક્તિગત અભિપ્રાય હોય છે અને ભૂતપૂર્વ ખેલાડીઓને પોતાનો અભિપ્રાય આપવાની આઝાદી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કપિલ દેવે કહ્યું છે કે હાલના ભારતીય ક્રિકેટરો ઘમંડી બની ગયા છે. તેઓ માને છે કે તેઓ બધું જ જાણે છે. જાડેજાએ કહ્યું કે ભૂતપૂર્વ ખેલાડીઓની આવી કોમેન્ટ્સ સામાન્ય રીતે ત્યારે જ આવે છે જ્યારે ટીમ કોઈ મેચ હારે છે.
કપિલ દેવના આ નિવેદન પર રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે મને ખબર નથી કે તેમણે આવું ક્યારે કહ્યું છે. હું સોશિયલ મીડિયા પર આવી વસ્તુઓની શોધ કરતો નથી. જુઓ દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે. ભૂતપૂર્વ ખેલાડીને પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો પૂરો અધિકાર છે પણ મને નથી લાગતું કે આ ટીમમાં કોઈ અહંકાર હોય. દરેક પોતાના ક્રિકેટની મજા માણી રહ્યા છે અને દરેક મહેનતી છે. કોઈએ કશું જ હળવાશમાં લીધું નથી. તેઓ પોતાનું 100 ટકા આપી રહ્યા છે.
આ પણ વાંચો – ‘પૈસા આવવાથી ક્રિકેટરો ઘમંડી બની ગયા છે, તેમને લાગે છે કે તે બધું જાણે છે’ કપિલ દેવના ખેલાડીઓ પર પ્રહારો
કોઈ વ્યક્તિગત એજન્ડા નથી
રવિન્દ્ર જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવી કોમેન્ટ્સ ત્યારે આવે છે જ્યારે ભારતીય ટીમ મેચ હારે છે. આ એક સારી ટીમ છે. અમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ અને તે અમારો મુખ્ય ઉદ્દેશ છે કોઇ વ્યક્તિગત એજન્ડા નથી. ધ વીકને આપેલા એક ઇન્ટરવ્યુમાં કપિલ દેવે કહ્યું હતું કે કેટલીકવાર જ્યારે વધારે પૈસા આવે છે, ત્યારે અહંકાર આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. આ ઉપરાંત કપિલ દેવે પણ ભારતીય ખેલાડીઓની ઈજા અંગે સવાલો ઉઠાવ્યા છે.
ઇશાન કિશન સિવાય ટીમ ઇન્ડિયાનું બેટિંગ યુનિટ ફ્લોપ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની છેલ્લી વન-ડે મંગળવારે ત્રિનિદાદની બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટથી જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ભારતીય ટીમને હરાવી હતી. ઈશાન કિશનને બાદ કરતાં ટીમ ઈન્ડિયાનું બેટીંગ યુનિટ ફ્લોપ રહ્યું છે.