Rinku Singh – Priya Saroj : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ અને પ્રિયા સરોજની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે અને આ બંને વચ્ચેની વાતચીત કેવી રીતે શરુ થઈ હતી એ વિશે ખુદ રિંકુ સિંહે ખુલાસો કર્યો છે. રિંકુ સિંહ વિસ્તારથી જણાવ્યું કે તેની અને પ્રિયા સરોજ વચ્ચેની વાતચીત કેવી રીતે શરૂ થઈ હતી અને શરૂઆતમાં એને સમજાતું ન હતું કે તેમની વાતચીતને કેવી રીતે આગળ વધારવી.
રાજ શમનીની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં રિંકુ સિંહે કહ્યું હતું કે પ્રિયાએ મારા એક-બે ફોટાને લાઇક કર્યા હતા, પછી મેં વિચાર્યું કે ચાલો તેમને એક કે બે મેસેજ મોકલીએ અને જોઈએ કે શું થાય છે. મને ખબર ન હતી કે છોકરી સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે મેસેજ કરવો. જોકે મને તેનો રિપ્લાય આવી ગયો હતો. આ પછી રિંકુને પૂછવામાં આવ્યું કે તેં પ્રિયાને શું મેસેજ મોકલ્યો હતો.
શરૂઆતમાં નીતિશ ભાઈએ પ્રિયા સાથે વાત કરી હતી
આના જવાબમાં રિંકુ સિંહે કહ્યું હતું કે મેં ફક્ત હાય-હેલ્લો જ કહ્યું હતું, જેમ કે નોર્મલ પૂછે છે કે તમે કેમ છો, મેં આ બધા મેસેજ કર્યા હતા. તેણે કહ્યું કે મને શરૂઆતમાં ખબર ન હતી કે કેવી રીતે વાત કરવી, તેથી મેં મારો ફોન નીતિશ રાણા ભાઈને આપ્યો અને તેમણે પ્રિયા સાથે વાત કરી. પ્રિયાને એ પણ ખબર ન હતી કે રાણાભાઈ તેની સાથે વાત કરી રહ્યા છે. પછી એક અઠવાડિયું વીતી ગયું અને અમે વાત કરતા રહ્યા, તેથી મેં નંબર શેર કર્યો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2026 આ તારીખથી શરુ થશે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાય તેવી સંભાવના
પ્રિયા સાથે વાત કરવાની આદત પડી ગઈ હતી
નંબર શેર કર્યા પછી અમારી વાતચીત શરૂ થઈ ગઈ અને મને પ્રિયા સાથે વાત કરવાની આદત પડી ગઇ હતી. મેચ પહેલા પણ હું તેની સાથે વાત કરતો હતો. જોકે તેણે મને વીડિયો કોલ કરવાની ના પાડી હતી, પરંતુ જ્યારે મેં વીડિયો કોલ કર્યો ત્યારે તેણે લાઇટ બંધ કરી દીધી હતી અને તેણે પોતાનો ફેસ દેખાડવો ન હતો, તેથી આ રીતે અમારી લવ સ્ટોરી શરૂ થઈ હતી. તે મને પસંદ આવવા લાગી હતી અને તે રીતે શરુઆત થઇ હતી.
I Love You ક્યારે બોલશો
વધુ વાત કરતાં રિંકુ સિંહે કહ્યું કે હું પ્રિયા સાથે વાત કરતી વખતે બોલતો રહેતો હતો કે અમારી વચ્ચે વાતચીત તો થઇ રહી છે પણ યાર તું મને આઈ લવ યુ ક્યારે કહીશ. જોકે આ વાત હું માત્ર મજાકમાં જ બોલી રહ્યો હતો. પછી આવી રીતે વાત બની હતી. રિંકુ સિંહે આ દરમિયાન કહ્યું હતુ કે આઇપીએલમાં મેં જે 5 છગ્ગા ફટકાર્યા તે બાદ જ મારું જીવન બદલાયું હતુ અને ત્યાર બાદ મેં જે હાંસલ કર્યું તે અવિશ્વસનીય હતું.





