Rishabh Pant Video : આખરે ક્રિકેટ ચાહકો લાંબા સમયથી રાહ જેની રાહ જોતા હતા તે દિવસ બુધવારે 15 ઓગસ્ટ 2023ના રોજ આવ્યો હતો. જ્યારે કાર અકસ્માત પછી ઋષભ પંત પ્રથમ વખત ક્રિકેટ રમ્યો હતો. ઋષભ પંતનો વીડિયો દિલ્હી કેપિટલ્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડાબોડી બેટ્સમેન પોતાનો ટ્રેડમાર્ક શોટ લગાવતો જોવા મળે છે.
ઋષભ પંતે એક શોટ એટલી જોરથી ફટકાર્યો કે બોલ મેદાનની બહાર જતો રહ્યો. દિલ્હી કેપિટલ્સે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘વીડિયોની ક્વોલિટી ભલે 144pની હોય, પરંતુ અમારી આંખોમાં ભાવનાઓ 1080p છે. ઋષભ પંતે સ્વતંત્રતા દિવસ મેદાન પર વિતાવ્યો હતો, જે એક સ્વપ્ન જેવું લાગે છે. દિલ્હી કેપિટલ્સે આ વીડિયોની ક્રેડિટ ઇસરાક અહેમદ/પ્રિયાંશુ મિશ્રાને આપ્યો હતો.
ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ડિસેમ્બર 2022માં એક ગંભીર કાર અકસ્માતમાં ઇજા થઇ હતી. ત્યારથી તે મેદાનમાંથી બહાર હતો. રિષભ પંતે જેએસડબ્લ્યુ વિજયનગર ખાતે પ્રેક્ટિસ મેચ દરમિયાન બેટિંગ કરી હતી.
આ પણ વાંચો – અમેરિકાએ આર્જેન્ટીનાને 450 રને હરાવીને રચ્યો ઇતિહાસ, અંડર-19 ક્રિકેટમાં સૌથી મોટો વિજય મેળવ્યો
ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો ત્યારે ત્યાં ભારે ભીડ હતી. ક્રિઝ પર પહોંચતા જ તેનું જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઋષભ પંતે પણ લોન્ગ ઓફ તરફ એક ઉંચો શોટ ફટકાર્યો હતો. તેના આ શોટને મેદાનની આસપાસ રહેલા ચાહકો તરફથી ઘણું સમર્થન મળ્યું હતું. ચાલુ વર્ષના પ્રારંભે જ ઋષભ પંતની લિગામેન્ટ સર્જરી કરવામાં આવી હતી.
ઋષભ પંત બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કરી રહ્યો છે. બીસીસીઆઇએ 21 જુલાઈએ જારી કરેલા નિવેદન અનુસાર, ભારતીય સ્ટારે બેટિંગની સાથે સાથે કિપિંગ પણ શરુ કરી દીધી છે. જોકે રિષભ પંતની ક્રિકેટના મેદાન પર વાપસીનો વીડિયો સોશિયલ મીડિયા પર પહેલી વખત પોસ્ટ કરવામાં આવ્યો છે.
ઋષભ પંતની ગેરહાજરી આ વર્ષની શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન જોવા મળી હતી. 10 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતવાની તક હતી પણ ભારતે આ તક ગુમાવી દીધી હતી.





