Rohit Sharma 10000 Runs In ODI Match : ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રોહિત શર્માએ ક્રિકેટમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. વન-ડે ક્રિકેટમાં રનની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો કોઈ મુકાબલો નથી. ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો 10 હજારથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ 15 બેટ્સમેનમાંથી 6 બેટ્સમેન ભારતીય ખેલાડી છે. એટલે કે 40 ટકા બેટ્સમેન ભારતના છે. આ ક્લબમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ સુપર 4 મેચ વખતે રોહિત શર્માએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટોપ પર છે. ઉપરાંત આ ક્લબમાં ભારત તરફથી વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોનીનો પણ સમાવેશ થાય છે.
વન-ડે ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના સૌથી વધુ 6 ક્રિકેટર્સ આ ક્લબમાં છે. ઉપરાંત શ્રીલંકાના 4 બેટ્સમેન છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમના 2 ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાં 1-1 ખેલાડી છે. 13 હજારથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં બે ભારતીય છે. વિરાટ કોહલી સોમવારે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન આ ક્લબમાં જોડાયો હતો.

વનડે ક્રિકેટમાં 13000 થી વધુ રન બનાવનાર ખેલાડીઓ
સચિન તેંડુલકરે ODI ક્રિકેટમાં સૌથી વધુ 463 મેચમાં 18426 રન બનાવ્યા છે. કુમાર સંગાકારા બીજા સ્થાને છે અને તેણે 404 મેચમાં 14234 રન બનાવ્યા છે. રિકી પોન્ટિંગે 375 મેચમાં 13704 રન બનાવી આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તો સનથ જયસૂર્યાએ 445 મેચમાં 13430 રન અને વિરાટ કોહલીએ 279 મેચમાં 13024 રન બનાવ્યા છે.
ODI ક્રિકેટમાં 10000 થી વધુ રન બનાવનાર અન્ય બેટ્સમેન
શ્રીલંકાના મહેલા જયવર્દનેએ 448 મેચમાં 12650 રન બનાવ્યા છે. તો પાકિસ્તાન તરફથી ઈન્ઝમામ ઉલ હકે 378 મેચમાં 11579 રન બનાવ્યા છે. તો સૌરવ ગાંગુલીએ 311 મેચમાં 11363 રન, રાહુલ દ્રવિડે 344 મેચમાં 10889 રન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 350 મેચમાં 10773 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલે 301 મેચમાં 10480 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 299 મેચમાં 10405 રન બનાવ્યા છે. તિલકરત્ને દિલશાને 330 મેચમાં 10290 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 248મી મેચમાં 10000 રન પૂરા કર્યા.
રોહિત શર્માએ સિક્સર ફટકારી 10 હજાર રન પૂરા કર્યા
ટીમ ઇન્ડિયાના રોહિત શર્માએ સિક્સર ફટકારીને 10 હજાર રન પૂરા કર્યા. તેણે કસુન રાજિતાની બોલ પર સીધી સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્માનો આ શોટ ખૂબ જ સુંદર હતો. રોહિત શર્માએ સતત ત્રીજી મેચમાં હાફ સદી ફટકારી હતી. આ પહેલા તેણે નેપાળ અને પાકિસ્તાન સામે પણ હાફ સદી ફટકારી હતી.





