Team India ODI Schedule : ભારતના દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક સપ્તાહના ગાળામાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. નિવૃત્તિની સાથે જ એ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે હવે આ બંને ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં માત્ર એક જ ફોર્મેટ (વન ડે)માં રમશે. રોહિત શર્માએ ગત સપ્તાહે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
એક અઠવાડિયામાં ટેસ્ટમાંથી 2 દિગ્ગજોએ નિવૃત્તિ જાહેર કરી
36 વર્ષીય વિરાટ કોહલીએ સોમવારે 12 મે 2025 ના રોજ રેડ-બોલ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. આ વાત સાચી છે કે આ બંને સ્ટાર ખેલાડીઓની ખોટ પૂરી કરવી મુશ્કેલ છે. જોકે ભારતની આ દિગ્ગજ જોડી હવે ફરી ક્યારે ટીમમાં જોડાઈને સાથે રમશે તે પ્રશ્ન પર ભારતીય ક્રિકેટ ચાહકો વિચારી રહ્યા છે.
20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી બન્નેએ ટી-20 નિવૃત્તિની જાહેરાત કરી હતી
રોહિત શર્માની આગેવાનીમાં ભારતે 2024માં બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીત્યો. આ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વરિષ્ઠ સ્ટાર્સે આ વર્ષની શરૂઆતમાં દુબઈમાં ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીએ સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.
વિરાટ કોહલી તેની મેચ વિનિંગ ઇનિંગ્સને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. જ્યારે 38 વર્ષીય રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં 76 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ ફાઇનલનો એવોર્ડ પણ મળ્યો હતો.
આ પણ વાંચો – વિરાટ કોહલીના એવા રેકોર્ડ્સ, જેને તોડવા અશક્ય છે, આ છે આખું લિસ્ટ
કારણ કે વન-ડે ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યા ઘણી હદ સુધી મર્યાદિત રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી 2027ના અંતમાં યોજાનારા 50 ઓવરના વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા રાખશે. જોકે ત્યાં સુધી પોતાને ફિટ અને ફોર્મમાં રાખવો તે બંને માટે એક મોટો પડકાર હશે.
વર્ષ 2025ના બાકી ક્રિકેટ કેલેન્ડર પર નજર નાખીએ તો રોહિત અને વિરાટે 3 જૂને આઈપીએલ 2025 પૂર્ણ થયા બાદ લાંબી રાહ જોવી પડશે. 2025-26માં ભારતનો વન-ડે કાર્યક્રમ આ પ્રમાણે છે. રોહિત અને વિરાટ ફરી વન-ડેમાં ભારત માટે સાથે રમતા જોવા મળી શકે છે.
ભારતનો 2025-26નો વન-ડે કાર્યક્રમ (આઇસીસી એફટીપી મુજબ)
- ભારત વિ બાંગ્લાદેશ, ઓગસ્ટ 2025 : 3 વનડે (17 થી 23 ઓગસ્ટ)
- ભારત વિ ઓસ્ટ્રેલિયા, ઓક્ટોબર 2025: 3 વન-ડે શ્રેણી (19 થી 25 ઓક્ટોબર 2025)
- ભારત વિ દક્ષિણ આફ્રિકા, નવેમ્બર-ડિસેમ્બર 2025: 3 વન-ડે શ્રેણી (30 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025)
- ભારત વિ ન્યૂઝીલેન્ડ, જાન્યુઆરી 2026: 3 વન-ડે શ્રેણી
- ભારત વિ અફઘાનિસ્તાન, જૂન 2026: 3 વન-ડે શ્રેણી
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ, સપ્ટેમ્બર 2026: 3 વન-ડે શ્રેણી
- ભારત વિ ન્યૂઝીલેન્ડ, ઓક્ટોબર-નવેમ્બર 2026: 3 વન-ડે શ્રેણી
- ભારત વિ શ્રીલંકા, ડિસેમ્બર 2026: 3 વન-ડે શ્રેણી