Rohit Sharma Retirement, રોહિત શર્મા નિવૃત્તિ : રોહિત શર્માએ બુધવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. રોહિત શર્માની આ જાહેરાત અગાઉ ઈન્ડિયન એક્સપ્રેસે માહિતી આપી હતી કે પસંદગીકારોએ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2024માં ભારત ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું તે પછી રોહિત શર્માએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી 20માંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તે વન-ડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
રોહિત શર્માએ શું કહ્યું
રોહિત શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની ટેસ્ટ કેપની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે હેલ્લો, હું ફક્ત એટલું જ જણાવવા માંગું છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સફેદ જર્સીમાં પોતાનું દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આટલા વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ તમારો આભાર. હું વન-ડે ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ.
રોહિત શર્માએ કેમ જાહેર કરી નિવૃત્તિ?
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક પ્રવાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. છેલ્લી 11 ટેસ્ટ ઈનિંગ્સમાં રોહિત શર્માની એવરેજ 6.63ની રહી છે અને તે માત્ર 73 રન જ બનાવી શક્યો છે. રોહિતે મેલબોર્નમાં છેલ્લી ઈનિંગ રમી હતી. જેમાં 40 બોલનો સામનો કરીને 9 રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટના લેજન્ડ સુનિલ ગાવસ્કરે ભવિષ્યવાણી કરી હતી કે જો સંજોગો નહીં બદલાય તો રોહિત શર્મા ટેસ્ટને અલવિદા કહી શકે છે.
આ પણ વાંચો – ઓપરેશન સિંદૂર પછી ધર્મશાળા એરપોર્ટ બંધ, શું આઈપીએલ 2025માં 3 ટીમોનું શેડ્યુલ બદલાશે?
રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી
આ નિર્ણયથી રોહિત શર્માની ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 11 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોહિત 67 ટેસ્ટ રમ્યો છે. જેમાં 12 સદી સહિત કુલ 4301 રન બનાવ્યા છે. રોહિતે 24 ટેસ્ટમાં ટીમને કેપ્ટનશિપ કરી છે. તેના નેતૃત્વમાં ભારત 12 ટેસ્ટ જીત્યું છે અને 9 મેચ હાર્યું છે.
રોહિતે 2022માં વિરાટ કોહલી પાસેથી ટીમની કમાન સંભાળી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમાં ભારતનો પરાજય થયો હતો. રોહિતની કેપ્ટનશિપમાં ભારત ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હારી ગયું હતું. જે 12 વર્ષમાં પહેલી વાર ભારતે ઘરઆંગણે શ્રેણી હારનો સામનો કરવો પડ્યો હતો.