Rohit Sharma Performance as Captain : ભારતના ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 3-0થી વ્હાઇટવોશ અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3-1થી થયેલા પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની આકરી ટીકા થઇ રહી છે. છેલ્લી બે શ્રેણીમાં ખરાબ પ્રદર્શનના કારણે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી સ્થાન ગુમાવી દીધું છે. કેપ્ટન ઉપરાંત ખેલાડી તરીકે પણ રોહિત સાવ ફ્લોપ રહ્યો હતો. ખરાબ ફોર્મના કારણે તેની સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં બહાર બેસાડવામાં આવ્યો હતો.
ખરાબ પ્રદર્શનના કારણે તેને કેપ્ટન તરીકે હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ તેના સપોર્ટમાં પણ ઘણા એક્સપર્ટો જોવા મળે છે. અમે અહીં રોહિત શર્માના કેપ્ટન તરીકે તેના પ્રદર્શનની વાત કરી રહ્યા છીએ.
ટેસ્ટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માનો રેકોર્ડ
રોહિત શર્માને 2022માં ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો અને અત્યાર સુધીમાં તેણે 24 ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આ દરમિયાન ટીમનો 12 મેચમાં વિજય થયો છે અને 9 મેચમાં પરાજય થયો છે. 3 મેચ ડ્રો રહી છે. રોહિત શર્માની જીતની સરેરાશ 57.14 ટકા રહી છે. બીજી તરફ ટેસ્ટમાં ભારતના સૌથી સફળ રહેલા વિરાટ કોહલીની સફળતા 70.17 ટકા છે. વિરાટે 68 મેચમાં કેપ્ટનશિપ કરી હતી. જેમાં 40 મેચમાં વિજય થયો હતો. 17 ટેસ્ટમાં પરાજય થયો હતો અને 11 ટેસ્ટ ડ્રો રહી હતી.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ ઇજા અપડેટ, ..તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી થશે બહાર
આ સિવાય ધોનીએ 60 ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી છે. જેમાં 27 મેચમાં વિજય થયો છે. 18 મેચમાં પરાજય થયો છે. 15 મેચ ડ્રો રહી છે. ગાંગુલીની સરેરાશ પણ રોહિત શર્મા કરતા સારી રહી છે. સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. 21 મેચમાં વિજય થયો હતો અને 13 મેચમાં પરાજય થયો હતો. 15 ટેસ્ટ ડ્રો રહી હતી. તેની સરેરાશ 61.76ની રહી હતી. ભારતના ત્રણ સૌથી સફળ કેપ્ટનની સામે રોહિતની જીતની ટકાવારી ઓછી છે.
ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે મોખરે
જોકે ઓવરઓલ ત્રણેય ફોર્મેટમાં વાત કરવામાં આવે તો બધા સફળ કેપ્ટનો કરતા રોહિત શર્મા આગળ છે. રોહિત શર્માએ ત્રણેય ફોર્મેટ મળીને 134 મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી છે. જેમાં 95 મેચમાં વિજય થયો છે અને 33 મેચમાં પરાજય થયો છે. 2 ટાઇ, 3 ડ્રો અને એક રદ થઇ હતી. તેની જીતની ટકાવારી 73.84 છે. જે એમએસ ધોની (59.53), વિરાટ કોહલી (68.93) અને સૌરવ ગાંગુલી (55.42)કરતા વધારે છે.