Rohit Sharma Records: રોહિત શર્માએ સચિન તેંડુલકરનો સદીનો રેકોર્ડ તોડ્યો, કપિલ દેવ, પોન્ટિંગનો આ રેકોર્ડ પણ ધરાશાયી

Rohit Sharma Records : વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રોહિત શર્માએ 84 બોલમાં 16 ફોર 5 સિક્સરની મદદથી 131 રન બનાવ્યા

Written by Ashish Goyal
October 11, 2023 20:51 IST
Rohit Sharma Records: રોહિત શર્માએ સચિન તેંડુલકરનો સદીનો રેકોર્ડ તોડ્યો, કપિલ દેવ, પોન્ટિંગનો આ રેકોર્ડ પણ ધરાશાયી
રોહિત શર્મા (તસવીર - સ્ક્રીનગ્રેબ)

Rohit Sharma Records: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં સદી ફટકારી છે. રોહિતે 63 બોલમાં 12 ફોર અને 4 સિક્સરની મદદથી કારકિર્દીની 31મી સદી પૂરી કરી હતી. વર્લ્ડ કપમાં રોહિત શર્માની આ સાતમી સદી છે અને આ સાથે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

હિટમેને સચિન તેંડુલકરને રેકોર્ડ તોડ્યો

વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરના નામે 6 સદી હતી અને રોહિત શર્મા પણ 6 સદી સાથે બરાબરી પર હતો, પરંતુ અફઘાનિસ્તાન સામે સાતમી સદી ફટકારી રોહિત આગળ નીકળી ગયો છે. પોતાની કારકિર્દીનો માત્ર ત્રીજો વર્લ્ડ કપ રમી રહેલા રોહિત શર્માએ આ સિદ્ધિ પોતાના નામે કરી છે જ્યારે સચિન તેંડુલકરે 6 વર્લ્ડ કપ રમતા 6 સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2015ના વર્લ્ડ કપમાં 1 સદી ફટકારી હતી, જ્યારે 2019 વર્લ્ડ કપમાં રોહિતે 5 સદી ફટકારી હતી. તે 2019માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો. રોહિતે ફક્ત 19 ઇનિંગ્સમાં જ 7 સદી ફટકારી છે. જ્યારે સચિને 44 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ અને શ્રીલંકાનો કુમાર સંગાકારા 5-5 સદી સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે.

રોહિત સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો

આ સિવાય રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે આ સદી 63 બોલમાં ફટકારી હતી. અત્યાર સુધી આ રેકોર્ડ પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે હતો. કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે 72 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ હવે આ રેકોર્ડ હિટમેનના નામે છે. આ સિવાય રોહિતે આ મેચમાં વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો.

આ પણ વાંચો – રોહિત શર્માએ તોડ્યો ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો વિશ્વનો નવો સિક્સર કિંગ

રોહિત શર્માએ રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

રોહિત શર્માએ વન ડે કારકિર્દીની 31મી સદી ફટકારી છે અને હવે તે વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. તેણે 30 સદી ફટકારનાર રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે.

સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર બેટ્સમેનો

49 – સચિન તેંડુલકર47- વિરાટ કોહલી31 – રોહિત શર્મા30 – રિકી પોન્ટિંગ28 – સનથ જયસૂર્યા

અરુણ જેટલી સ્ટેડિયમમાં સદી ફટકારનારો રોહિત શર્મા ત્રીજો ભારતીય બન્યો

અગાઉ અરુણ જેટલી સ્ટેડિયમમાં વન-ડે ક્રિકેટમાં ભારત તરફથી બે બેટ્સમેનોએ વન-ડેમાં સદી ફટકારી હતી. જેમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. હવે રોહિત શર્મા પણ આ યાદીમાં જોડાઈ ગયો છે અને આ મેદાન પર આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ મેદાન પર વન-ડેમાં તેની પ્રથમ સદી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ