Rohit Sharma : સ્ટાર બેટર રોહિત શર્માએ બુધવારે કહ્યું કે પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ, પસંદગી સમિતિ અધ્યક્ષ અજીત અગરકર અને BCCI સેક્રેટરી જય શાહે તેને ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સંપૂર્ણ સપોર્ટ આપ્યો જેનાથી ભારત T20 વર્લ્ડ કપ જીતી શક્યું. રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત માટે રાહુલ દ્રવિડ, અજિત અગરકર અને જય શાહને ત્રણ પિલ્લર કહ્યા અને T20 વર્લ્ડ કપ જીતવા માટે ક્રેડિટ આપી.
રોહિત શર્માની આગેવાની હેઠળ, ભારતે ICC ની આ મોટી ટૂર્નામેન્ટમાં ગત જૂન માસમાં દક્ષિણ આફ્રિકા પર ફાઈનલ મેચમાં વિજય મેળવ્યો. વર્ષ 2007 પછીનું ભારતનું બીજું T20 વર્લ્ડ ટાઇટલ હતું અને આ જીત સાથે રોહિતે ટી20 ફોર્મેટમાંથી તેની કારકિર્દીનો અંત કરવાની જાહેરાત કરી હતી.
CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સમાં વર્ષના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે નામિત થયા પછી રોહિત શર્માએ કહ્યું કે, “મારા માટે આ ટીમને પરિવર્તિત કરવાનો અને આંકડા તેમજ પરિણામોની ચિંતા કર્યા વિના એ વાત સુનિશ્ચિત કરવાનું સ્વપ્ન હતું કે અમે એ વાતની ખાતરી કરીએ કે ખેલાડીઓ મુક્ત રીતે અને વધારે વિચાર કર્યા વિના રમતના મેદાનમાં જઈ શકે અને પોતાનું ઉતકૃષ્ઠ પ્રદર્શન આપી શકે.”
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, “મારા માટે આ જ જરૂરી હતું. મને મારા ત્રણ પિલ્લરો જય શાહ, રાહુલ દ્રવિડ અને અજિત અગરકરની ઘણી મદદ મળી. આ મદદથી ટીમ સારુ પ્રદર્શન બતાવી શકી અને ટુર્નામેન્ટ જીતવા અમે સફળ રહ્યા. રોહિતે કહ્યું કે વિશ્વ કપ જીતવાની લાગણી શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
રોહિત શર્મા, કેપ્ટન ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયા
“જેટલું અમારા માટે આ મહત્વનું હતું, એટલું સમગ્ર રાષ્ટ્ર માટે પણ ઘણું મહત્વનું હતું. ટ્રોફી ઘેર લાવવી અને બધાં સાથે ઉજવણી કરવી ખરેખર ઉત્તમ લાગણી હતી.” “આ એક ચમકદાર લાગણી છે જેને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. મને લાગે છે કે આ એવી લાગણી છે જેને વ્યક્ત કરવી મુશ્કેલ છે.” એવું રોહિતે જણાવ્યું.