INDIA Vs SOUTH AFRICA, 2ND T20I: દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં સમર્પણ અને ત્યાગના અનોખા ઉદાહરણ જોવા મળ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માના નાકમાં લોહી આવ્યા છતા તે મેદાનમાં ઉભો રહ્યો હતો અને ખેલાડીઓને નિર્દેશ આપતો રહ્યો હતો. જ્યારે ભારતીય ઇનિંગ્સની અંતિમ ઓવરમાં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક વચ્ચે ખાસ ક્ષણ જોવા મળી હતી. બીજી ટી-20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 16 રને વિજય મેળવી 3 મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
વિરાટ કોહલી 49 રને હતો અને સ્ટ્રાઇક પર દિનેશ કાર્તિક હતો. કાર્તિકે એક વાઇડ બોલ પર તેને પોતાની અડધી સદી પુરી કરવા માટે સ્ટ્રાઇકની ઓફર કરી હતી. જોકે વિરાટ કોહલીએ તેને સ્ટ્રાઇક તેની પાસે જ રાખવા અને સ્કોરને મોટો કરવા માટે કહ્યું હતું. કોહલી અને કાર્તિકે 11 બોલમાં 28 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી.
આ પણ વાંચો – ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં મેદાનમાં આવી ગયો સાપ, જુઓ Video
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
બન્ને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પ્રશંસકો રમત પ્રત્યે રોહિત શર્માના સમર્પણ અને પોતાના કરતા ટીમને વધારે મહત્વ આપવાના કોહલીના ત્યાગની પ્રશંસા કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે રોહિત શર્મા નાકથી લોહી સાફ કરતો અને બોલરોને નિર્દેશ આપતો જોવા મળે છે. જોકે તેનું લોહી ના અટક્યું તો તે થોડોક સમય બહાર ગયો હતો અને પછી તરત મેદાનમાં આવી ગયો હતો.
કોહલીનો ત્યાગ
બીજી તરફ રબાડાની 20મી ઓવરમાં કાર્તિકે શરૂઆતના 3 બોલમાં 4 રન બનાવ્યા હતા. ચોથો બોલ વાઇડ હતો. આ દરમિયાન કાર્તિક રન લેવા માટે દોડ્યો અને કોહલીને પોતાની અડધી સદી પુરી કરવા માટે સ્ટ્રાઇક પર આવવાની ઓફર કરી હતી. જોકે કોહલીએ કાર્તિકને સ્ટ્રાઇક જાળવી રાખવા અને ફિનિશરની ભૂમિકા નિભાવવા કહ્યું હતું. કાર્તિક આ આશા પર ખરો ઉતર્યો હતો અને બાકી રહેલા બે બોલ પર બે સિક્સર ફટકારી હતી.





