દેવેન્દ્ર પાંડે : રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી દીધી છે કે તેઓ આવતા મહિને શ્રીલંકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. બીસીસીઆઇની સિનિયર સિલેક્શન કમિટિની ગુરુવારે સાંજે ઝૂમ કોલ દ્વારા બેઠક યોજાય તેવી શક્યતા છે, કારણ કે બોર્ડના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની વાર્ષિક કોન્ફરન્સ માટે શ્રીલંકામાં છે.
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ બીસીસીઆઇ સાથે પરામર્શ કરીને આખરે નિર્ણય લીધો છે કે, સૂર્યકુમાર યાદવ ત્રણ મેચની શ્રેણી માટેની ભારતીય ટી-20 ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે રોહિત વન ડેમાં ભારતીય ટીમનું સુકાન સંભાળતો રહેશે. ઇન્ડિયન એક્સપ્રેસે અગાઉ અહેવાલ આપ્યો હતો કે સૂર્યકુમાર ટી 20માં ટીમની કપ્તાની કરવા માટે લાઇનમાં છે કારણ કે પસંદગીકારો હાર્દિક પંડ્યાને તેના ભૂતકાળના ફિટનેસ રેકોર્ડને ધ્યાનમાં રાખીને કેપ્ટન તરીકે નિમણૂક કરવા અંગે નિશ્ચિત નથી.
સૂર્યકુમારને હટાવી પણ શકાય છે
હાર્દિક પંડ્યા ટી 20 વર્લ્ડ કપમાં ભારતનો વાઇસ કેપ્ટન હતો. જાણકાપી પ્રમાણે પસંદગી સમિતિએ બીસીસીઆઇને જાણ કરી છે કે જો સૂર્યકુમારનો દેખાવ સંતોષકારક નહીં હોય અને તે અપેક્ષાઓ પર ખરો નહીં ઉતરે તો ભવિષ્યમાં તેના સ્થાને અન્યને કેપ્ટન તરીકેની જવાબદારી આપવા માટે તૈયાર છે. બીસીસીઆઈ હાલની યોજના પ્રમાણે સૂર્યકુમાર 2026ના આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરે.
બીસીસીઆઈના અધિકારીઓએ હાર્દિક પંડ્યા સાથે વાત કરી
ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે. હાર્દિક પંડયા કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ જણાતો હતો. પણ જાણવા મળ્યું છે કે બીસીસીઆઇના હોદ્દેદારો અને પસંદગીકારોએ પંડયા સાથે વાત કરી હતી અને આગામી બે વર્ષ માટેની તેમની યોજના અંગે વાત કરી હતી. એ પણ જણાવ્યું તે તેમણે સૂર્યકુમારને કેમ પ્રાથમિકતા આપી છે.
વન-ડે માટે સિનિયર હાજર
આ દરમિયાનમાં ટીમના સિનિયર ખેલાડીઓએ નવનિયુક્ત કોચ ગૌતમ ગંભીરની ત્રણ વન ડેની શ્રેણીમાં ભાગ લેવાની વિનંતીને સંમતિ આપી દીધી છે કારણ કે કોચ તરીકે આ તેમની પ્રથમ શ્રેણી હશે. જોકે પંડયા માત્ર ટી-20 મેચો જ રમશે અને તે વન ડે ટીમમાં સામેલ થવાનો નથી. વરિષ્ઠ પસંદગી સમિતિએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પસંદ ન કરવાનો નિર્ણય લીધો છે. તેને આ સિરીઝ માટે આરામ આપવામાં આવશે. ઋષભ પંત બન્ને ભારતીય ટીમો સાથે રહેશે.
આ પણ વાંચો – ભારતીય ટીમની પસંદગીમાં કેમ થઇ રહ્યો છે વિલંબ?
રિયાન પરાગ ડાર્કહોર્સ
ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે રાજસ્થાન રોયલ્સના મિડલ ઓર્ડર બેટ્સમેન રિયાન પરાગ ભારતીય મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવવા માટે મજબૂત દાવેદાર છે. તેની વન ડે અને ટી-20 ટીમમાં પસંદગી થાય તેવી પણ શક્યતા છે. પસંદગી સમિતિ ભવિષ્ય માટે નવા ચહેરાઓને અજમાવી રહી છે અને પરાગ બોલિંગ કરી શકે તેમ હોવાથી તેને બંને ટીમોમાં સ્થાન મળે તેવી શક્યતા છે. પરાગના સમાવેશનો અર્થ એ છે કે સૂર્યકુમાર વન-ડે ટીમમાં સામેલ થવાનો નથી અને ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પણ માત્ર ટી-20 ટીમમાં જ રમશે.
ભારતીય વન ડે ટીમમાં શ્રેયસ ઐયરની પસંદગી થશે
વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ ઐયરની પસંદગી ભારતીય વન ડે ટીમમાં થશે. આ વર્ષની શરુઆતમાં જ બીસીસીઆઇએ ઐયર સામે કડક પગલાં ભરતાં તેનું નામ વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખ્યું હતુ. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન સાથે જ તેને ટૂંક સમયમાં જ બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સ્થાન મળી જશે. બંને ટીમોમાં મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેની પસંદગી થાય તેવી શક્યતા છે. ખાસ કરીને હાર્દિક પંડયાની વન-ડેમાંથી બહાર હોવાને કારણે.