Ruturaj Gaikwad ruled out of IPL 2025 : આઈપીએલ 2025ની વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયા છે. રુતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં હવે એમએસ ધોની આ સિઝનની બાકીની મેચોમાં ટીમની કેપ્ટનશિપ સંભાળશે.
રૂતુરાજ ગાયકવાડને કોણીમાં ફ્રેક્ચર
સીએસકેના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે કેકેઆર સામેની મેચ પહેલા જ આ માહિતી આપી છે. રુતુરાજ ગાયકવાડની કોણીમાં ફ્રેક્ચર છે અને આ કારણે તે આ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. રુતુરાજ ગાયકવાડને વર્ષ 2024માં સીએસકે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે આ સિઝનની પ્રથમ 5 મેચોમાં ટીમની કેપ્ટનશિપ કરી શક્યો હતો.
28 વર્ષીય ગાયકવાડને 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તુષાર દેશપાંડેનો સામનો કરતી વખતે કોણીમાં ઈજા થઈ હતી. જોકે તે પછીની બે મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ સામે રમ્યો હતો પરંતુ સ્કેનમાં હવે ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે.
સીએસકનો 5માંથી 4 મેચમાં પરાજય
આ સિઝનની પ્રથમ 5 મેચમાં રુતુરાજ ગાયકવાડનું કેપ્ટન તરીકેનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. સીએસકેને ટીમનો તેની કેપ્ટન્સી હેઠળ સતત 4 મેચમાં પરાજય થયો છે. જ્યારે માત્ર એક જ મેચ જીતી શકી હતી. સીએસકેએ આ સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ સામે જીત મેળવી હતી, આ પછી સતત ચાર મેચમાં પરાજય થયો હતો. આ પહેલા રુતુરાજની કેપ્ટનશિપમાં સીએસકે ગત સિઝનમાં પણ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી ન હતી.
આ પણ વાંચો – ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
એમએસ ધોનીએ વર્ષ 2024 પહેલા જ સીએસકેની કેપ્ટનશિપ છોડી દીધી હતી, પરંતુ તે ફરી એકવાર કેપ્ટન તરીકે પરત ફર્યો છે. હવે તે બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે અત્યાર સુધી 5 વખત ચેમ્પિયન બની ચૂકી છે અને હવે ફરી એકવાર કેપ્ટન બન્યા બાદ બધાની નજર ટીમના પ્રદર્શન પર રહેશે. સીએસકે આ સિઝનમાં આ સમયે સારી સ્થિતિમાં નથી અને હવે ધોની તેની ટીમને કેવી રીતે સંભાળે છે તે જોવું રસપ્રદ રહેશે.