T20 World Cup 2024, SA vs AFG 1st Semi Final Weather Report Head To Head : આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમ 27 જૂન ગુરુવારે સવારે (ભારતીય સમય પ્રમાણે સવારે 6 કલાકે) આમને-સામને ટકરાશે. અફઘાનિસ્તાને સુપર 8 સ્ટેજમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી જીત મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ ટી 20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. અહીં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન મેચની લાઇવ સ્ટ્રીમિંગ, વેધર રિપોર્ટ, હેડ ટુ હેડ અને પ્લેઇંગ ઇલેવન વિશે જણાવી રહ્યા છીએ.
દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન હેડ ટુ હેડ રેકોર્ડ્સ (SA vs AFG Head To Head Records)
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો એડન માર્કરામ એન્ડ કંપનીનો હાથ ઉપર છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 2 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. બંનેમાં દક્ષિણ આફ્રિકાની ટીમે જીત મેળવી છે.
બ્રાયન લારા સ્ટેડિયમ તારૌબા ત્રિનિદાદ પીચ રિપોર્ટ (South Africa vs Afghanistan Pitch Report)
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની મેચ તારૌબા ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે છેલ્લી મેચ દસ દિવસ પહેલા રમાઈ હતી. તેથી સેમિ ફાઈનલ મેચ માટે નવી પીચની અપેક્ષા રાખી શકાય. નવી પીચ પર ફાસ્ટ બોલરોને મૂવમેન્ટ મળે તેવા સંકેત મળી રહ્યા છે. હાર્ડ લેન્થમાં પણ બાઉન્સ મળી શકે છે. સ્પિનર્સ પણ રમતમાં રહેશે.
આ પણ વાંચો – નિકોલસ પૂરને ફટકારી છે સૌથી વધારે સિક્સર, ટોપ 10માં આ એક માત્ર ભારતીય સામેલ
બેટ્સમેનોએ પીચની ગતિ અને બાઉન્સને અનુકૂળ થવામાં થોડો સમય લેવો જોઈએ. તૌરાબામાં સરેરાશ રનરેટ 7.18નો રહ્યો છે. તેથી બહુ મોટા સ્કોરની અપેક્ષા રાખી શકાય નહીં. ટોસ જીતનારી ટીમ સંભવત: પ્રથમ બોલિંગ કરશે. જોકે અફઘાનિસ્તાન ટોસ જીતે તો તેઓ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે, કારણ કે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આ રણનીતિ તેમના માટે કારગત નીવડી છે.
ત્રિનિદાદ તારૌબા વેધર રિપોર્ટ (South Africa vs Afghanistan Weather Report)
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. જોકે પ્રથમ સેમિ ફાઈનલ માટે વધારાનો સમય અને રિઝર્વ ડે ફાળવવામાં આવ્યા છે. વરસાદના કારણે વિઘ્ન સર્જાય તો મેચ ટાઈમમાં વધારાની 60 મિનિટનો ઉમેરો કરવામાં આવશે. જો હજુ પણ મેચ પુરી નહીં થાય તો તેને રિઝર્વ ડે એટલે કે 28 જૂન (ભારતીય સમય પ્રમાણે)માં ખસેડવામાં આવશે અને 190 મિનિટ રમવાનો સમય ફાળવવામાં આવશે. જો વરસાદના વિધ્નને કારણે સેમિ ફાઈનલ રદ થાય તો સુપર-8 સ્ટેજમાં પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન ધરાવતી ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.
દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન લાઇવ સ્ટ્રીમિંગ (T20 World Cup 2024 Semi Final, SA vs AFG Live Streaming)
27 જૂન ગુરુવારે સવારે 6 વાગ્યાથી દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન ટી 20 વર્લ્ડ કપ મેચ હોટસ્ટાર એપ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન સંભવિત પ્લેઇંગ ઇલેવન (SA vs AFG 1st Semi Final Playing 11)
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, ઓટ્ટનીલ બાર્ટમેન, એનરિચ નોર્ટજે.
અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નબી, કરીમ જનાત, રાશિદ ખાન (કેપ્ટન), નાંગેલિયા ખરોતી, નૂર અહમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.





