મહિલા વન-ડે વર્લ્ડ કપ પર સચિન તેંડુલકરે કહ્યું – મહિલા ક્રિકેટને નવી દિશા આપી શકે છે

ICC Women’s World Cup : સચિન તેંડુલકરે પોતાના ICC કોલમમાં લખ્યું કે આ ફક્ત ટાઇટલ જીતવા માટેની ટુર્નામેન્ટ નહીં, પરંતુ તેવી અસંખ્ય છોકરીઓના સપનાઓને પૂર્ણ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જે ક્રિકેટને કારકિર્દીના રુપમાં જુએ છે

Written by Ashish Goyal
Updated : October 01, 2025 21:58 IST
મહિલા વન-ડે વર્લ્ડ કપ પર સચિન તેંડુલકરે કહ્યું – મહિલા ક્રિકેટને નવી દિશા આપી શકે છે
સચિન તેંડુલકર માને છે કે ભારતમાં શરૂ થયેલો ICC મહિલા ODI વર્લ્ડ કપ દેશમાં મહિલા ક્રિકેટ માટે એક વળાંક સાબિત થઈ શકે છે

Sachin Tendulkar on 2025 ICC Women’s World Cup : ભારતના મહાન પ્લેયર સચિન તેંડુલકર માને છે કે ભારતમાં શરૂ થયેલો ICC મહિલા ODI વર્લ્ડ કપ દેશમાં મહિલા ક્રિકેટ માટે એક વળાંક સાબિત થઈ શકે છે. તેંડુલકર કહે છે કે આ ફક્ત ટાઇટલ જીતવા માટેની ટુર્નામેન્ટ નહીં, પરંતુ તેવી અસંખ્ય છોકરીઓના સપનાઓને પૂર્ણ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જે ક્રિકેટને કારકિર્દીના રુપમાં જુએ છે.

સચિન તેંડુલકરે આઈસીસીના એક કોલમમાં લખ્યું હતું કે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડમાં 2017 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને આખું દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જોકે ટીમ ઇન્ડિયા હજુ સુધી વૈશ્વિક ટ્રોફી જીતી શકી નથી. તેંડુલકર માને છે કે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની આ ટીમ ઘરેલું મેદાન પર ઇતિહાસ રચી શકે છે અને મહિલા ક્રિકેટને નવી દિશા આપી શકે છે.

હરમનપ્રીતની ઇનિંગે મહિલા ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો

સચિન તેંડુલકરે પોતાના ICC કોલમમાં લખ્યું કે મને હજુ પણ 2017 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હરમનપ્રીત કૌરની અણનમ 171 રનની ઇનિંગ યાદ છે. તેના શોટ્સની નિર્ભયતા, તેના મનની સ્પષ્ટતા અને દિલમાં સાહસે ભારતમાં મહિલા ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો. તે ક્ષણ હતી જ્યારે લોકોએ મહિલા ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું.

તેમણે આગળ લખ્યું કે મોગામાં એક છોકરી હશે જે તેના આદર્શ હરમનપ્રીતની જેમ બનવા માટે તેના બેટને મજબૂતીથી પકડી રહી હશે અને સાંગલીમાં બીજી છોકરી હશે જે સ્મૃતિ મંધાનાની જેમ કવર ડ્રાઇવનો અભ્યાસ કરી રહી હશે.

સ્મૃતિ મંધાનાની કુશળતાથી પ્રભાવિત

સચિન તેંડુલકર સ્મૃતિ મંધાનાની બેટિંગથી ખૂબ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે સ્મૃતિની બેટિંગ એક કલા જેવી છે. તેનો શોટ રમવાનો અંદાજ, ટાઇમિંગ અને ગેપ શોધવાની ક્ષમતા તેને વિશ્વના શ્રેષ્ઠ પ્લેયર્સની શ્રેણીમાં સ્થાન આપે છે.

મહિલા ક્રિકેટ માટે એક મોટું પ્લેટફોર્મ

સચિન તેંડુલકર માને છે કે ઘરઆંગણે યોજાતો આ વર્લ્ડ કપ મહિલા ક્રિકેટને તે ઓળખ આપશે જેની તેને લાંબા સમયથી જરૂર હતી. તેમણે કહ્યું કે આ ટુર્નામેન્ટ લિંગ, ધારણા અને પહોંચના અવરોધોને તોડવાની તક છે. નાના શહેરોની છોકરીઓને વિશ્વાસ હોવો જોઈએ કે દુનિયા તેમના માટે ખુલ્લી છે, ઠીક તેવી રીતે જ્યારે 1983માં કપિલ દેવની ટીમને વર્લ્ડ કપ જીતતી જોઈને અનુભવ્યું હતું.

આ પણ વાંચો – મહિલા વન ડે વર્લ્ડ કપ : ભારતીય મહિલા ટીમ પણ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવશે નહીં

જય શાહની પણ પ્રશંસા કરી

સચિન તેંડુલકરે વર્તમાન ICC પ્રમુખ જય શાહની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મહિલા ક્રિકેટમાં જે મોટા ફેરફારો થયા તેનો મોટો શ્રેયને જય શાહને જાય છે. BCCI સચિવ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પુરુષ અને મહિલા ખેલાડીઓ માટે સમાન મેચ ફી લાગુ કરવામાં અને મહિલા પ્રીમિયર લીગ (WPL) શરૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પગલાં ભલે કાગળ પર વહીવટી નિર્ણય લાગે, પરંતુ વાસ્તવમાં તે જીવન પરિવર્તનકારી છે. તે દરેક મહત્વાકાંક્ષી યુવતીને કહે છે કે તેના ઉત્સાહને સમાન મૂલ્ય આપવામાં આવે છે. હું આ ટુર્નામેન્ટ માટે વિક્રમી ઇનામ રકમ જાહેર કરવા બદલ ICC નો પણ આભાર માનવા માંગુ છું, જે 2023માં પુરુષોના વર્લ્ડ કપ માટે ઓફર કરાયેલી રકમને પણ વટાવી ગઈ છે. સાંકેતિક અને વ્યવહારિક રીતે, તે એક શક્તિશાળી સંદેશ મોકલે છે કે મહિલા ક્રિકેટ માત્ર તાળીઓના ગડગડાટને જ નહીં, પણ સમાન આદરને પાત્ર છે.

તેમણે કહ્યું કે જેવી રીતે 1983 એ ભારતીય ક્રિકેટને એક નવી ઓળખ આપી હતી, તેમ હું માનું છું કે આ વર્લ્ડ કપ ભારતમાં મહિલા ક્રિકેટ માટે પણ એવો જ ચમત્કાર કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ