આઈપીએલ 2023 : અર્જુન તેંડુલકરની ડેબ્યૂ મેચમાં ડ્રેસિંગ રૂમમાં જ બેસી રહ્યો સચિન, વીડિયોમાં જણાવ્યું કારણ

Arjun Tendulkar : સચિન તેંડુલકરે વીડિયોમાં કહ્યું કે આ મારા માટે ખાસ છે કારણ કે 2008માં જે ટીમમાંથી રમ્યો તે જ ટીમમાંથી મારા પુત્રએ 16 વર્ષ પછી ડેબ્યૂ કર્યું

Written by Ashish Goyal
Updated : April 17, 2023 15:52 IST
આઈપીએલ 2023 : અર્જુન તેંડુલકરની ડેબ્યૂ મેચમાં ડ્રેસિંગ રૂમમાં જ બેસી રહ્યો સચિન, વીડિયોમાં જણાવ્યું કારણ
સચિન પુત્ર અર્જુન તેંડુલકર સાથે (Screengrab)

Arjun Tendulkar IPL Debut : આઈપીએલ 2023માં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો સચિન તેંડુલકર માટે ખાસ બની રહ્યો હતો. કારણ કે આ મેચમાં સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. અર્જુને ડેબ્યૂ મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા હતા અને કોઇ વિકેટ ઝડપી ન હતી. અર્જુનની આ સ્પેશ્યલ મેચ પછી સચિન તેંડુલકરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સચિને જણાવ્યું કે તેણે આજ સુધી અર્જુનની કોઇ મેચ સ્ટેડિયમમાં બેસીને જોઇ નથી.

અર્જુનનું આઈપીએલ ડેબ્યૂ મારા માટે એક અલગ અનુભવ – સચિન

આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સચિન તેંડુલકરે કહ્યું કે અર્જુનનું આઈપીએલ ડેબ્યૂ મારા માટે એક અલગ અનુભવ હતો. મેં વાસ્તવમાં આજ સુધી તેને રમતા જોયો નથી અને આજે પણ ડ્રેસિંગ રૂમમાં જઇને બેઠો હતો. સચિને કહ્યું કે બસ હું એ જ ઇચ્છું છું કે તે પોતાને એક્સપ્રેસ કરે અને મને જોઇને પોતાના પ્લાનથી ભટકે નહીં. જેથી હું ડ્રેસિંગ રૂમમાં જઇને બેઠો હતો. જોકે અચાનક મેં જોયું કે સ્ટેડિયમમાં હું તેને જોઈ રહ્યો છું. સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીનથી હું આ મેચ જોઇ રહ્યો હતો. સચિને વીડિયોના અંતમાં કહ્યું કે આ મારા માટે અલગ લાગણી છે કારણ કે 2008માં જે ટીમમાંથી રમ્યો તે જ ટીમમાંથી મારા પુત્રએ 16 વર્ષ પછી ડેબ્યૂ કર્યું.

આ પહેલા સચિને અર્જુનના ડેબ્યૂ પર એક ટ્વિટ કર્યું હતું. જેમા સચિને કહ્યું હતું કે અર્જુન આજે (રવિવાર) એક ક્રિકેટરના રૂપમાં પોતાની સફરમાં એક અન્ય મહત્વપૂર્ણ કદમ આગળ વધાર્યું છે. પિતા હોવાના નાતે જે તમને પ્રેમ કરે છે અને રમત પ્રત્યે ઝુનૂની છે, હું જાણું છું કે તમે રમતને સન્માન આપવાનું યથાવત્ રાખશો જેનો તે હકદાર છે અને રમત તમારા પર પ્રેમ લુટાવશે. તમે અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે અને મને વિશ્વાસ છે કે આગળ પણ તુ તેને યથાવત્ રાખીશ.

આ પણ વાંચો – અર્જુન તેંડલકરનું આઈપીએલમાં ડેબ્યૂ, 2 વર્ષ રાહ જોયા પછી મળી તક, રોહિત શર્માએ પહેરાવી કેપ

અર્જુને ડેબ્યૂ મેચને લઇને વીડિયોમાં કહ્યું કે આ મારા માટે એક ગ્રેટ મોમેન્ટ હતી. હું હંમેશાથી આ ટીમને સપોર્ટ કરતો હતો અને આ ટીમ માટે રમવું ઘણું સ્પેશ્યલ હતું. મને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ભારતીય ટીમના કેપ્ટન પાસેથી ડેબ્યૂ કેપ મેળવીને ઘણું સારું લાગ્યું.

પિતા-પુત્રની જોડી એક ફ્રેન્ચાઇઝી તરફથી રમી

આઈપીએલના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઇ પિતા-પુત્રની જોડી એક ફ્રેન્ચાઇઝી તરફથી રમ્યા હોય. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સચિન તેંડુલકર પ્રથમ મેચ 15 મે 2008ના રોજ રમ્યા હતા. હવે પુત્ર અર્જુન તેંડુલકર આ ટીમ તરફથી પોતાની પ્રથમ મેચ 16 એપ્રિલ 2023ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમ્યો હતો.

અર્જુનને સપોર્ટ કરવા માટે તેની બહેન સારા તેંડુલકર પણ સ્ટેડિયમમાં હાજર રહી હતી. જોકે મેચ દરમિયાન તેના માતા અંજલિ જોવા મળ્યા ન હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ