Arjun Tendulkar IPL Debut : મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે. જે ક્ષણની પ્રશંસકો લાંબા સમયથી રાહ જોતા હતા તે ઘડી રવિવારે આવી હતી. મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં અર્જુન તેંડુલકરને ડેબ્યૂ કેપ આપી હતી. અર્જુન 2021થી મુંબઈ ઇન્ડિયન્સનો સભ્ય છે પણ તેને બે વર્ષ પછી ડેબ્યૂની તક મળી છે. અર્જુનને રોહિત શર્માએ ડેબ્યૂ કેપ આપી હતી. ડેબ્યૂની ખુશી અર્જુનના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી. અર્જુનની ડેબ્યૂ મેચ વખતે તેની બહેન સારા તેંડુલકર પણ મેદાનમાં ઉપસ્થિત રહી હતી.
અર્જુનને 2021માં મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બીજા વર્ષે મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં અર્જુનને ફરી ખરીદ્યો હતો. તે ઘણા સમયથી મુંબઈ ઇન્ડિયન્સના નેટ્સમાં મહેનત કરી રહ્યો છે.
પિતા-પુત્રની જોડી એક ફ્રેન્ચાઇઝી તરફથી રમી
આઈપીએલના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઇ પિતા-પુત્રની જોડી એક ફ્રેન્ચાઇઝી તરફથી રમ્યા હોય. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સચિન તેંડુલકર પ્રથમ મેચ 15 મે 2008ના રોજ રમ્યા હતા. હવે પુત્ર અર્જુન તેંડુલકર આ ટીમ તરફથી પોતાની પ્રથમ મેચ 16 એપ્રિલ 2023ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમ્યો છે.
આ પણ વાંચો – એમએસ ધોનીના ભરોસે ઇજાગ્રસ્ત ચેન્નઇ સુપર કિંગ્સ, ઘૂંટણમાં દર્દ છતા જાન લગાવી રહ્યો છે માહી
અર્જુન તેંડુલકરનું પ્રથમ મેચમાં પ્રદર્શન
અર્જુન તેંડુલકરે આઈપીએલની ડેબ્યુ મેચમાં 2 ઓવર ફેંકી હતી અને 17 રન આપ્યા હતા. તેને કોઇ વિકેટ મળી નથી.
રોહિત શર્માના સ્થાને અર્જુનને ડેબ્યૂની તક
રોહિત શર્માના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યા પછી જણાવ્યું કે જોફ્રા આર્ચર આ મેચમાં રમી રહ્યો નથી. અર્જુન તેંડુલકરને રોહિત શર્માના સ્થાને ડેબ્યૂની તક આપવામાં આવી છે. અર્જુને છેલ્લા એક વર્ષથી ઘરેલું ક્રિકેટમાં શાનદાર રમત બતાવી છે.
અર્જુન બોલિંગની સાથે-સાથે બેટિંગમાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. અર્જુને તેની કારકિર્દીમાં 9 ટી-20 મેચમાં 12 વિકેટ ઝડપી છે. લિસ્ટ-એ માં તેના નામે 4.98ની એવરેજથી 8 વિકેટ નોંધાયેલી છે. ફર્સ્ટ ક્લાસમાં અર્જુને 12 વિકેટ ઝડપી છે અને એક સદી સહિત 223 રન બનાવ્યા છે. રણજી ટ્રોફીની ડેબ્યુ મેચમાં અર્જુને સદી ફટકારી હતી.