Chennai Super Kings : ચેન્નઇ સુપર કિંગ્સની ટીમનો આઈપીએલ 2023માં બીજો પરાજય થયો છે. રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલામાં જીતની હેટ્રિક લગાવવાની તૈયારી હતી પણ અંતિમ બોલ પર મહેન્દ્રસિંહ ધોની સિક્સર ફટકારી શક્યો ન હતો અને ટીમ મુકાબલો હારી ગઇ હતી. ચેન્નઇને ભલે જીત ના મળી હોય પણ થાલાના ફોર્મે ટીમને ખુશ કરી દીધા છે.
ધોનીને ઘૂંટણમાં ઇજા
મહેન્દ્રસિંહ ધોનીએ આ મેચમાં 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ્સમાં 3 સિક્સર અને એક ફોર ફટકારી હતી. મેચ પછી ટીમના કોચ સ્ટિફન ફ્લેમિંગે જણાવ્યું કે ધોની ઘૂંટણની ઇજાથી પરેશાન છે જોકે તેમ છતા તે ટીમને જીતાડવા માટે જાન લગાવી રહ્યો છે. ઇજાની અસર ધોનીની રમત પર જોવા મળી રહી છે જે વિકેટ વચ્ચે ભાગતા સહજ જોવા મળતો ન હતો.
ફ્લેમિંગે કરી ધોનીની પ્રશંસા
ફ્લેમિંગે મેચ પછી ધોનીની પ્રશંસા કરતા કહ્યું કે તે ટૂર્નામેન્ટના એક મહિના પહેલા આવી જાય છે. રાંચીમાં તે છોડો ઘણો અભ્યાસ કરે છે પણ પ્રી સિઝન ફિટનેસ ચેન્નઇમાં જ થાય છે. તે ફોર્મમાં આવે છે અને પછી સારું રમે છે. જેથી અમને તેની ચિંતા નથી હોતી કે તે કેવી રીતે મેનેજ કરશે. તે ઘણો પ્રોફેશનલ છે અને મહાન ખેલાડી છે.
આ પણ વાંચો – તમિલનાડુ વિધાનસભામાં ઉઠી CSKને પ્રતિબંધ કરવાની માંગણી, ધારાસભ્યે કેમ કરી આવી દલીલ
ચેન્નઇના ઇજાગ્રસ્ત ખેલાડીઓનું લાબું લિસ્ટ
ધોની માટે મુશ્કેલી એ છે કે તેના ટીમની ઇજાની લિસ્ટ એટલી લાંબી છે કે તે પોતે કોઇ મેચમાં આરામ લેવા વિશે વિચારી પણ શકતો નથી. ટીમના બોલરોની ઇજા તેના માટે માથાનો દુખાવો બની રહી છે. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર સિસાંડા માગાલા બુધવારે બે ઓવર ફેકીને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. કાઇલ જેમિસન પણ આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. ટીમનો યુવા ખેલાડી સિમરજીત સિંહ પણ ઇજાથી પુરી રીતે બહાર આવી શક્યો નથી. આ સિવાય બેન સ્ટોક્સ પણ ઇજાથી પરેશાન ચાલી રહ્યો છે.
ચેન્નઇ પાસે ખેલાડીઓની ખોટ
ટીમના ખેલાડીઓને ઇજાને લઇને ફ્લેમિંગે કહ્યું કે મગાલાને હાથમાં ઇજા પહોંચી છે. અમારા માટે આ એક વધુ ફટકો છે. થોડીક જ મેચો થઇ છે અને અમારા ઘણા ખેલાડી ઇજાગ્રસ્ત થયા છે. અમારી પાસે ઘણા ઓછા વિકલ્પો છે પણ આ ફક્ત અમારી કહાની નથી.