Sachin Tendulkar : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ઈચ્છે છે કે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં અમ્પાયર કોલના નિયમમાં ફેરફાર કરવામાં આવે. તેંડુલકરે સોમવારે સોશિયલ મીડિયા સાઇટ રેડિટ પર ચાહકો સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તે ક્રિકેટના કયા નિયમમાં બદલાવ લાવવા માંગે છે. આના પર તેમણે અમ્પાયરના કોલનું નામ આપ્યું હતું.
સચિન તેંડુલકરે કહ્યું કે ખેલાડી ડીઆરએસ એટલા માટે લે છે કારણ કે તે મેદાન પર હાજર અમ્પાયરના નિર્ણયથી નાખુશ હોય છે, તેથી તે માને છે કે તે નિર્ણયને યથાવત રાખવાનો કોઇ વિકલ્પ ન હોવો જોઇએ. આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન તેંડુલકરે કહ્યું કે હું અમ્પાયરના કોલને લઈને ડીઆરએસના નિયમોમાં ફેરફાર કરીશ. ખેલાડીઓએ મેદાન પર અમ્પાયરના નિર્ણયથી નાખુશ હોવાના કારણે થર્ડ અમ્પાયર પાસે જવાનો નિર્ણય કરે છે. તેથી, તે નિર્ણયને યથાવત્ રાખવાનો કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. જેવી રીતે ખેલાડીઓનો સમય ખરાબ હોય છે. આ જ રીતે અમ્પાયરોનો પણ ખરાબ સમય હોય છે.
સચિન તેંડુલકર પહેલા પણ અમ્પાયર કોલની ટીકા કરી ચૂક્યો છે
આ પહેલીવાર નથી જ્યારે સચિન તેંડુલકર અમ્પાયર કોલ હટાવવા માંગતો હતો. 2020માં તેમણે કહ્યું હતું કે બોલ ટ્રેકિંગ દરમિયાન જો બોલ સ્ટમ્પને સહેજ પણ અથડાય તો તેને આઉટ આપવો જોઈએ. તેમણે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બ્રાયન લારા સાથેની વીડિયો ચેટમાં કહ્યું હતું કે હું આઇસીસીના ડીઆરએસ સાથે સંમત નથી, જેનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે. એલબીડબલ્યુના કિસ્સામાં મેદાન પર લેવાયેલા નિર્ણયને પાછો ખેંચવા માટે 50% થી વધુ બોલ સ્ટમ્પ પર લાગવો જરૂરી છે.
આ પણ વાંચો – સારા તેંડુલકરે શરુ કર્યો નવો બિઝનેસ, પિલેટ્સ સ્ટુડિયો લોન્ચ કર્યો, જાણો શું છે આ
તેમણે કહ્યું કે તે (બેટ્સમેન કે બોલરો) એટલા માટે જ ઉપર ગયા છે કારણ કે તેઓ મેદાન પર લેવાયેલા નિર્ણયથી નાખુશ છે, તેથી જ્યારે નિર્ણય થર્ડ અમ્પાયર પાસે જાય ત્યારે ટેકનિકને તેનું કામ કરવા દો. ટેનિસની જેમ જ, ઇન અથવા આઉટ. વચ્ચેનો રસ્તો ન હોવો જોઈએ.
અમ્પાયર કોલ શું છે?
અમ્પાયર કોલનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ડીઆરએસ ટેકનિકલ પુરાવાના અભાવે મેદાન પર લેવાયેલા નિર્ણયને ‘શંકાનો લાભ’ આપે છે. બોલ-ટ્રેકિંગ ટેકનિક અનુસાર જ્યારે 50% થી ઓછો બોલ (બેઇલ સિવાય) સ્ટમ્પ્સ પર અથડાય છે ત્યારે તે અમ્પાયર કોલ હોય છે. જોકે આવી સ્થિતિમાં ટીમ તેનો રિવ્યૂ ગુમાવતી નથી.