Virender Sehwag : ભારતના ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે તેણે 2007-08માં વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેને સંન્યાસ લેતા રોક્યો હતો. આ ઘટના 20007-08ના ઓસ્ટ્રેલિયા પ્રવાસની કોમનવેલ્થ સિરીઝ સાથે જોડાયેલો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત ઉપરાંત શ્રીલંકા વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી.
સેહવાગે પદ્મજીત સેહરાવતના પોડકાસ્ટ પર તેની કારકિર્દીના ખરાબ તબક્કા વિશે ખુલીને વાત કરી હતી. પ્રથમ ત્રણ મેચ બાદ કેપ્ટન એમએસ ધોનીએ સેહવાગને પ્લેઈંગ 11માંથી પડતો મૂક્યો હતો. આ પછી સેહવાગ 4-5 મેચ માટે બેન્ચ પર બેઠો હતો. આવી સ્થિતિમાં તેણે વન ડે ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું હતું. તે આ અંગે તેંડુલકર સાથે વાત કરવા ગયો અને પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.
વન-ડે ક્રિકેટ રમવાનો કોઈ ફાયદો નથી
સેહવાગે કહ્યું કે અમે ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે 2007-08ની આ શ્રેણી હતી. ત્યાં સીબી શ્રેણીની પ્રથમ ત્રણ વનડે રમ્યો હતો. તે પછી એમએસ ધોનીએ મને પ્લેઈંગ 11માંથી પડતો મૂક્યો હતો અને ત્યાર બાદ મને લાંબા સમય સુધી પડતો મૂકવામાં આવ્યો. એટલે કે આગામી 4-5 મેચમાં. ત્યારે મને લાગ્યું કે કદાચ હવે હું પ્લેઈંગ 11નો ભાગ ન બની શકું તો પછી વન-ડે ક્રિકેટ રમવાનો કોઈ ફાયદો નથી. પછી હું સચિન પાસે ગયો અને તેને કહ્યું કે હવે મને લાગે છે કે મારે નિવૃત્તિ લેવી જોઈએ.
આ પણ વાંચો – કોણ છે સાનિયા ચંડોક? અર્જુન તેંડુલકર સાથે કરી સગાઇ, કરોડોની છે વારસદાર, જાણો સંપૂર્ણ પ્રોફાઇલ
આ તમારા માટે ખરાબ સમય છે, તે દૂર થઈ જશે
સેહવાગે કહ્યું કે ત્યારે તેમણે કહ્યું કે 99-2000માં મારા જીવનમાં પણ એક એવો સમય હતો જ્યાં મને લાગ્યું કે કદાચ મારે ક્રિકેટ છોડી દેવું જોઈએ. એ સમયગાળો આવ્યો હતો. એ તબક્કો જતો રહ્યો. આ તારા માટે પણ ખરાબ સમય છે, તે દૂર થઈ જશે. ભાવુક થઈને વન-ડેમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી ન કરો. તમારી જાતને થોડો સમય આપો અને એક કે બે વધુ શ્રેણી જુઓ. તે પછી નક્કી કરો. જ્યારે તે શ્રેણી પૂરી થઈ અને તે પછી હું પછીની શ્રેણીમાં ગયો ત્યારે હું પ્લેઇંગ 11 માં પણ રમ્યો અને ઘણા રન કર્યા. 2011 નો વર્લ્ડ કપ પણ રમ્યો હતો અને અમે વર્લ્ડ કપ જીત્યો હતો.