Sachin Tendulkar BCCI Lifetime Achievement Award : ભારતના મહાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. BCCI શનિવારે તેના વાર્ષિક સમારંભમાં 51 વર્ષીય સચિનને સન્માનિત કરશે. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે હા,સચિનને વર્ષ 2024 માટે સીકે નાયડુ ‘લાઇફટાઇમ એચિવમેન્ટ’ એવોર્ડથી નવાજવામાં આવશે. 2023માં ભૂતપૂર્વ ભારતીય મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ભૂતપૂર્વ દિગ્ગજ વિકેટકીપર ફારૂક એન્જિનિયરને આ એવોર્ડ મળ્યો હતો.
સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34,357 રન
સચિને પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં 48.52 ની સરેરાશથી 34,357 રન બનાવ્યા છે. જેમાં 100 સદી અને 164 અડધી સદીનો સમાવેશ થાય છે. સચિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે સદીઓની સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટ ઉપરાંત, સચિને વન-ડે ફોર્મેટમાં પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
સચિને વન ડેમાં 44.83ની એવરેજથી 49 સદી અને 96 અડધી સદી સાથે 18,426 રન બનાવ્યા છે. જ્યારે ટેસ્ટમાં 53.78ની સરેરાશથી 51 સદી અને 68 અડધી સદી સાથે 15,921 રન બનાવ્યા છે. સચિન પોતાની શાનદાર કારકિર્દીમાં ફક્ત એક જ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો, આ ખેલાડીઓને રાખ્યા પાછળ
સચિને 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું
સચિને 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમણે બે દાયકા સુધી ભારતીય ટીમની સેવા કરી હતી. તે 2011માં ભારતની વિશ્વ ચેમ્પિયન ટીમનો પણ ભાગ હતા. આ તેમનો છઠ્ઠો અને છેલ્લો વન-ડે વર્લ્ડ કપ હતો.





