Saina Nehwal Parupalli Kashyap Divorce: સાયના નેહવાલના છુટછેડાના સમાચારથી રમત પ્રેમીઓને આઘાત લાગ્યો છે. ભારતની પ્રખ્યાત બેડમિંટન સ્ટાર અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ સાયના નેહવાલે પતિ અને ભૂતપૂર્વ શટલર પારુપલ્લી કશ્યપથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સાયના નહેવાલે 13 જુલાઇ રવિવારની મોડી રાત્રે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી આ સમાચાર શેર કર્યા હતા. સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપઅલગ થવાના સમાચારથી રમત પ્રેમીઓને આંચકો લાગ્યો છે.
સાઇના નહેવાલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી લખ્યું :
“કેટલીક વાર જીવન એક જુદો જ માર્ગ અપનાવે છે. ખૂબ વિચાર કર્યા બાદ અમે (પારુપલ્લી કશ્યપ અને મેં) અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે એકબીજા માટે શાંતિ, વિકાસ અને સ્વસ્થ જીવનની પસંદગી કરી રહ્યા છીએ. “હું ભૂતકાળની ક્ષણો માટે આભારી છું અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. કૃપા કરીને આ સમયે અમારી ગોપનીયતાનો આદર કરો.’

રમતના મેદાનથી શરૂ થઇ પ્રેમ કહાણી
સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપની મુલાકાત હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડમીમાં થઈ હતી, જ્યાં તેમણે બાળપણથી જ સાથે ટ્રેનિંગ લીધી હતી. આ કપલે 14 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. સાયનાએ લંડન ઓલિમ્પિક 2012માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું અને વર્લ્ડ નંબર-1 બની હતી. તો પારુપલ્લી કશ્યપે પણ કોમનવેલ્થ ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ જીતીને ટોપ 10માં સ્થાન મેળવ્યું હતુ.
પારુપલ્લી કશ્યપ હાલ કોચિંગમાં વ્યસ્ત
પારુપલ્લી કશ્યપે 2024ની શરુઆતમાં જ પ્રોફેશનલ બેડમિંટનમાંથી નિવૃત્તિ લીધી હતી અને હવે તે કોચિંગમાં પણ સક્રિય છે. સાયના નેહવાલ ગત વર્ષથી બ્રેક પર છે અને તે સિંગાપોર ઓપન 2023 બાદ કોઈ ટુર્નામેન્ટ રમી નથી.
સાયના નેહવાલ રમતમાંથી સંન્યાસ લેશે?
ગયા વર્ષે સાયના નેહવાલે ગગન નારંગની પોડકાસ્ટ ‘હાઉસ ઓફ ગ્લોરી’માં પોતાની કારકિર્દી વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેને સંધિવાની સમસ્યા છે અને તે તેના ભવિષ્ય વિશે વિચારી રહી છે. તેણે કહ્યું, “હું પણ તેના વિશે વિચારી રહ્યો છું. તેણે સંકેત આપ્યો હતો કે 2025ના અંત સુધીમાં તે નિવૃત્તિ અંગે અંતિમ નિર્ણય લેશે.
સાયના નેહવાલ ભારતની મહાન મહિલા બેડમિંટન ખેલાડી
સાયના નેહવાલ ઓલિમ્પિક મેડલ, વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઈનલ્સ અને જુનિયર વર્લ્ડ ટાઈટલ જીતનારી ભારતની સૌપ્રથમ બેડમિંટન ખેલાડી છે. તેની કારકિર્દીની સફળતાથી ભારતમાં બેડમિંટનની રમત લોકપ્રિય થઇ હતી.





