sakshi malik allegations against vinesh phogat : સાક્ષી મલિક ખુલીને વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સામે બહાર આવી છે. કુશ્તીબાજોના આંદોલનને લઇને તેણીએ મોટા આરોપ લગાવ્યા છે. જેને લઇને વિનેશ ફોગાટે પણ પલટવાર કરતાં આકરા શબ્દો કહ્યા છે.
ભારતીય કુશ્તીબાજ સાક્ષી મલિક હાલમાં એના પુસ્તક વિટનેસ ને લઇને ચર્ચામાં છે. આ પુસ્તકમાં તેણીએ પોતાના જીવનના ઉતાર ચઢાવ અંગે વિગતે પ્રકાશ પાડ્યો છે. સાક્ષીએ આ પુસ્તક અંગે આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના સાથીઓ અંગે કેટલીક એવી વાતો કરી છે કે જેની કોઇને અપેક્ષા ન હતી. સાક્ષીએ વિનેશ ફોગાટ અને બજરંગી પૂનિયા સામે મોટા આરોપ લગાવ્યા છે. જેના જવાબમાં વિનેશ ફોગાટે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી લખી પલટવાર કર્યો છે.
સાક્ષી મલિકની આત્મકથા વિટનેસ પુસ્તકમાં સાક્ષીએ એ લોકોના નામનો ઉલ્લેખ કર્યો નથી જેમણે બજરંગ અને વિનેશ ફોગાટને પ્રભાવિત કર્યા. નામ લીધા વિના તેણીએ લખ્યું છે કે, અગાઉની જેમ ફરી એકવાર સ્વાર્થ હાવી થયો. બજરંગ અને વિનેશના અંગત લોકોએ એમના દિમાગમાં લાલચ ભરવાનું શરુ કર્યું.
આ પણ વાંચો – કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી હટાવવામાં આવી હોકી, ક્રિકેટ, રેસલિંગ અને બેડમિન્ટન, જાણો કેમ
તે ગેમ્સ માટે ટ્રાયલ્સમાં છૂટ લેવાની વાત કરવા લાગ્યા. તેણીએ લખ્યું છે કે, બજરંગ અને પૂનિયાએ છૂટ લેતાં એની સારી અસર ન પડી. આમ કરવાથી એની વિપરીત અસર અમારા આંદોલન પર પડી. એનાથી એવી સ્થિતિ પેદા થઇ કે લોકોને એવું લાગવા લાગ્યું કે અમારુ આંદોલન અંગત સ્વાર્થ માટે કરી રહ્યા છીએ.
બબીતા વિશે સાક્ષીએ શું લખ્યું?
બબીતા ફોગાટ અંગે સાક્ષીએ લખ્યું છે કે, તે પોતાને કુશ્તીબાજોની શુભચિંતક ગણાવે છે પરંતુ તે પણ એનો પોતાનો અંગત સ્વાર્થ જ હતો. હું જાણું છું કે, વિનેશ અને બજરંગતનું લક્ષ્ય બૃજભૂષણ શરણને હટાવવાનું હતું પરંતુ મે એ વિચારીને ભૂલ કરી કે બબીતાની પણ ઇચ્છા એ જ હતી. તેણી માત્ર બૃજભૂષણ ને હટાવવા જ નહીં પરંતુ એમની જગ્યા લેવા ઇચ્છતી હતી.
કુશ્તી મહાસંઘ સામે આંદોલન
સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ ભારતીય કુશ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ) પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ સામે મહિલા કુશ્તીબાજો સાથે યૌન શોષણનો આરોપ લગાવી આંદોલન કર્યું હતું. આ મામલો દિલ્હી કોર્ટમાં પહોંચ્યો.
ડબલ્યૂએફઆઇ સસ્પેન્ડ કર્યા બાદ રચાયેલી સમિતિએ કમાન હાથમાં લીધી. બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2023 માટે ટ્રાયલ્સમાં છૂટ આપવામાં આવી પરંતુ સાક્ષી મલિકે છૂટ ન લીધી અને એશિયન ગેમ્સનો હિસ્સો ન બની. જ્યારે વિનેશ રમત પહેલા ઇજાગ્રસ્ત થઇ અને બજરંગ પૂનિયા મેડલ જીતવામાં અસફળ રહ્યો હતો.





