IPL Auction 2026 Sanju Samson: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 ની હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી ટ્રેડ માર્કેટમાં મોટો ધડાકો થઈ શકે છે. જાણવા મળ્યું છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હાઈપ્રોફાઈલ સ્વેપ ડીલ અંગે વાતચીત આખરી તબક્કામાં છે. બંને ટીમો વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે. 15 નવેમ્બર પહેલા આ સમજુતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી સંભાવના છે.
આ સોદાના ભાગરૂપે સંજુ સેમસન ચેન્નઈ જશે, જ્યારે રવિન્દ્ર જાડેજા અને તેના સાથી ખેલાડી સેમ કરન અથવા મથિશા પથીરાના રાજસ્થાન રોયલ્સ સાથે જશે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, બંને ટીમો વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. હવે આ ડીલ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ તારીખ 15મી નવેમ્બર પહેલા જમા કરાવવાની રહેશે. આવી સ્થિતિમાં આ અઠવાડિયે આ ડીલ ફાઇનલ થઇ શકે છે.
સંજુ સેમસન ‘યલો ડ્રીમ’ પૂર્ણ થશે
ગત સિઝનથી જ ચર્ચા ચાલી રહી હતી કે સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડવા માગે છે. જ્યારે અમેરિકામાં મેજર લીગની સીઝન ચાલી રહી હતી ત્યારે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સીએસકેના મેનેજમેન્ટને પણ મળ્યો હતો. સીએસકે ફ્રેન્ચાઇઝી એમએસ ધોનીના અનુગામી તરીકે ભરોસાપાત્ર ભારતીય કેપ્ટનની શોધમાં છે.
કદાચ આ જ કારણ છે કે સંજુ સેમસન તેમની પ્રથમ પસંદગી છે. હજુ સુધી એમએસ ધોનીના અનુગામી તરીકે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને તાજેતરમાં જ કહ્યું હતું કે તેમને અપેક્ષા છે કે એમએસ ધોની બીજી સીઝન રમશે. જોકે સંજુ સેમસનના આગમન સાથે ચેન્નાઈની કેપ્ટન્સીના સમીકરણમાં મોટો ફેરફાર શક્ય છે.
રવિન્દ્ર જાડેજા સાથે કોણ જશે – સેમ કે પથિરાના?
રવિન્દ્ર જાડેજા રાજસ્થાન જઇ શકે છે અને એની સાથે અન્ય ખેલાડીની પણ ચર્ચા છે. રાજસ્થાન રોયલ્સ (આરઆર)ની નજર પથિરાના પર છે, જ્યારે સીએસકે મેનેજમેન્ટ તેને જવા દેવાની તરફેણમાં નથી. સીએસકે મધિશા પથિરાનાને ભવિષ્યના સ્ટાર પેસર તરીકે જોઈ રહી છે.
સૂત્રો જણાવે છે કે સીએસકેએ પહેલા સેમ કુરનનું નામ રજૂ કર્યું હતું, પરંતુ રાજસ્થાન રોયલ્સ માધિશા પથિરાના પર અડગ છે. જો મડાગાંઠ હલ થઈ જાય છે, તો કોઈપણ સમયે સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
મહેન્દ્ર સિંહ ધોની, ઋતુરાજ અને સ્ટીફન ફ્લેમિંગે લીધો નિર્ણય!
ચેન્નાઈ સુપર કિંગ્સના ટોચના મેનેજમેન્ટ (એમએસ ધોની, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ)એ આ સમગ્ર સોદા અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એમએસ ધોનીએ પોતે રવિન્દ્ર જાડેજા સાથે વાત કરી હતી અને તેમનો અભિપ્રાય લીધો હતો અને તેની સંમતિ બાદ જ વાતચીત આગળ વધી હતી.
રવિન્દ્ર જાડેજા 2012થી ચેન્નાઈની ટીમનો ભાગ છે અને તેણે ત્રણ ટાઇટલ (2018, 2021, 2023) જીત્યા છે.ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર રવિન્દ્ર જાડેજા પણ છે. જોકે વર્ષ 2022માં કેપ્ટન્સી વિવાદ બાદ બંને વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો હતો.
RR કે CSK કોને થશે મોટો ફાયદો?
એક તરફ રાજસ્થાનને ભારતના અનુભવી ઓલરાઉન્ડરો અને વિદેશી સ્ટાર ખેલાડીઓ મળી શકે છે. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સને ભવિષ્ય માટે કેપ્ટન મળી શકે છે. સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા બંનેનો પગાર રુપિયા 18 કરોડ છે, તેથી આ સોદો પણ આર્થિક રીતે સંતુલિત માનવામાં આવે છે. જોકે, શરૂઆતમાં ચેન્નાઈ માત્ર ઓલ-કેશ ડીલ ઇચ્છતી હતી, પરંતુ સંજુ સેમસનને લાવવા માટે, તેઓએ ખેલાડીઓની અદલાબદલી માટે સંમત થવું પડ્યું હતું.
શું આ ધોનીની છેલ્લી સીઝન હશે?
જો આ ડીલ થશે તો ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026માં નવા યુગની શરૂઆત કરી શકે છે. સંજુ સેમસન કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરી શકે છે અને એમએસ ધોની મેન્ટર કે ટીમ ડાયરેક્ટરની ભૂમિકામાં દેખાઈ શકે છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ માટે રવિન્દ્ર જાડેજાને સામેલ કરવાથી ટીમનું સંતુલન અને અનુભવ બંને મજબુત બનશે.
Also Read: રણજી ટ્રોફીમાં આ યુવા ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ
જો ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચેના કરારની પુષ્ટિ થઈ જાય તો તે આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ચર્ચાસ્પદ ટ્રેડ ડીલ બની શકે છે. જો અહેવાલ મુજબ આવું થાય છે, તો આગામી થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવશે અને સંજુ સેમસન IPL 2026 માં ચેન્નાઈની પીળી જર્સીમાં જોવા મળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા તેના પ્રથમ ઘર (રાજસ્થાન રોયલ્સ) પરત ફરશે. રવિન્દ્ર જાડેજા આઈપીએલ 2008 ના વિજેતા રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.





