સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર સપના ગીલ અને ક્રિકેટર પૃથ્વી શો વચ્ચેનો વિવાદ હજુ ખતમ થતો જોવા મળી રહ્યો નથી. સપના ગીલે મુંબઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 23 વર્ષીય ક્રિકેટર પૃથ્વી શો અને તેના મિત્રા આશિષ યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. મેજિસ્ટ્રેટ પાસેથી જામીન મળ્યા પછી સપના ગીલે જેલમાંથી બહાર આવતા જ પૃથ્વી શો પર કેસ નોંધાવ્યો છે.
પૃથ્વી શો ના મિત્રની કારમાં તોડફોડ કરવાના આરોપમાં ઓશિવાર પોલીસે આઠ લોકો સામે કેસ નોંધ્યો હતો. જેમાં એક સપના ગીલ પણ હતી. સપનાએ આરોપ લગાવ્યો કે ભારતીય ક્રિકેટર અને તેના મિત્રએ તેમને ઉફસાવ્યા હતા. આ વિવાદ ત્યારે થયો જ્યારે પૃથ્વી શોએ મુંબઈની એક હોટલમાં ડિનર દરમિયાન કથિત રીતે સેલ્ફી લેવાની ના પાડી હતી.
સપના ગીલે નોંધાવ્યો કેસ
સપના ગીલે પૃથ્વી શો સામે આઈપીસીની કલમ 34, 120 બી, 146, 148, 149, 323, 324, 351, 354 અને 509 અંતર્ગત કેસ નોંધાવ્યો છે. વકીલ કાશિફ અલી ખાન દ્વારા પોતાની જામીન અરજીમાં સપના ગીલે દાવો કર્યો કે તેની સામે એફઆઈઆર પુરી રીતે ખોટી અને નકલી આરોપો પર નોંધવામાં આવી છે. કોઇ આધાર વગર ગીલને આ મામલામાં ફસાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટર પૃથ્વી શો એ સેલ્ફી લેવાની ના પાડી તો કાર પર કર્યો હુમલો
સરકારી વકીલે સપના ગીલની જામીન અરજીનો કર્યો વિરોધ
પોલીસ તરફથી સરકારી વકીલ આતિયા શેખે જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે આ મામલાની તપાસ હજુ પુરી થઇ નથી. આરોપીઓએ બદલો લેવા માટે પૃથ્વી શો નો પીછો કર્યો હતો કારણ કે તેણે તેમની સાથે સેલ્ફી લેવાથી ઇન્કાર કર્યો હતો.તે લોકો 23 વર્ષીય ક્રિકેટરનો જીવ પણ લઇ શકતા હતા.
ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર દરમિયાન થયો હતો વિવાદ
પૃથ્વી શો સાંતાક્રુઝની એક ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર માટે ગયો હતો. ત્યારે અજાણ્યા આરોપી તેની પાસે આવ્યા અને સેલ્ફી લેવા માટે કહી રહ્યા હતા. પૃથ્વી શો એ બે લોકોને સેલ્ફી આપી હતી પણ તે લોકો ફરી પરત આવ્યા અને સેલ્ફી લેવા માટે કહેવા લાગ્યા હતા. પૃથ્વી શો એ કહ્યું કે તે મિત્રો સાથે ડિનર માટે આવ્યો છે અને તેને પરેશાન કરવામાં ન આવે. આ પછી પૃથ્વીના મિત્રની કાર બીએમડબલ્યુમાં તોડફોડ કરવામાં આવી. આરોપીએ ગાડીના આગળ અને પાછળના કાચ બેઝબોલથી તોડી નાખ્યા હતા.