Indian Premier League : સાઉદી અરેબિયાએ દુનિયાની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અબજો ડોલરમાં હિસ્સો ખરીદવા માટે રસ દાખવ્યો છે. બ્લૂમબર્ગ ન્યૂઝે આ બાબતથી પરિચિત લોકોને હવાલો આપીને શુક્રવારના રોજ આ માહિતી આપી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ આઈપીએલને 30 અબજ ડોલર (લગભગ 2 લાખ 50 હજાર કરોડ રૂપિયા)ની વેલ્યૂવાળી હોલ્ડિંગ કંપનીમાં ફેરવવા વિશે ભારત સરકારના અધિકારીઓ સાથે વાત કરી છે. જોકે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2022માં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ મામલે ચર્ચા થઇ હતી. વાતચીત દરમિયાન સાઉદી અરેબિયાએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 5 અરબ ડોલર (આશરે 42,000 કરોડ રૂપિયા)નું રોકાણ કરવા અને અન્ય દેશોમાં વિસ્તાર કરવામાં મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : વિરાટ કોહલીની વધુ એક સિદ્ધિ, સચિન તેંડુલકરનો આ ખાસ રેકોર્ડ તોડ્યો
ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યો છે કે જ્યારે આઇપીએલના સંચાલક ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને આ અંગે તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તત્કાળ કોઇ જવાબ મળ્યો ન હતો. સાઉદી સરકારના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ કમ્યુનિકેશનના પ્રતિનિધિઓને જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આઈપીએલ એ વિશ્વની સૌથી ધનિક લીગમાંથી એક છે. વર્ષ 2008માં તેની પ્રથમ સિઝનથી જ તે ટોચના ખેલાડીઓ અને કોચને ભારત તરફ આકર્ષી રહી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જ્યારે સાઉદી સરકાર આ કરાર પર ભાર આપવા માટે ઉત્સુક છે. આ સાથે જ ભારત સરકાર અને બીસીસીઆઈ આગામી વર્ષે લોકસભા ચૂંટણી બાદ આ પ્રસ્તાવ પર નિર્ણય લઈ શકે છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે.





