NED vs NEP Super Over : ગ્લાસગોમાં રમાયેલી સ્કોટલેન્ડ ટી-20 ત્રિકોણીય શ્રેણીની બીજી મેચનો ઐતિહાસિક અંત આવ્યો હતો. નેધરલેન્ડ્સ અને નેપાળ વચ્ચેની મેચ ત્રીજી સુપર ઓવર સુધી પહોંચી હતી. આ પછી નેધરલેન્ડ્સની ટીમે રોમાંચક મુકાબલામાં જીત મેળવી હતી. ત્રીજી વખત સુપર ઓવરમાં નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું પ્રથમ વખત કોઈ પ્રોફેશનલ મેન્સ ક્રિકેટ મેચ (ટી-20 કે લિસ્ટ એ)માં બન્યું છે.
નેપાળને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી
આ પહેલા નેધરલેન્ડ્સે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવી શકતા મેચ ટાઇ પડી હતી. નેપાળને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. નંદન યાદવે ફાસ્ટ બોલર કાયલ ક્લેઇનની ઓવરમાં 4, 2, 2, 4 રન બનાવ્યા હતા અને મેચને પ્રથમ સુપર ઓવર સુધી પહોંચાડી હતી.
પ્રથમ સુપર ઓવર
નેધલેન્ડ્સના લેફ્ટ આર્મ સ્પિનર ડેનિયલ ડોરામે પહેલી સુપર ઓવર નાખી હતી. તેણે 19 રન આપ્યા હતા. કુશલ ભુર્તેલે બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. નેપાળ તરફથી કરન કેસીએ ઓવર ફેંકી હતી. નેધરલેન્ડ્સ તરફથી માઈકલ લેવિટે પ્રથમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો અને મેક્સ ઓ’ડાઉડે આખરી બે બોલમાં 6 અને 4 રન ફટકારતાં 19 રન બનતા મેચ ફરી ટાઇ પડી હતી.
આ પણ વાંચો – બન્ની હોપ કેચ શું છે? MCC એ માન્યો ગેરકાયદેસર, જાણો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ક્યારથી લાગુ થશે આ નિયમ
મેચ બીજી સુપર ઓવરમાં પહોંચી
બીજી સુપર ઓવરમાં બોલર લલિત રાજબંશીએ નેધરલેન્ડ્સને 17 રન સુધી સિમિત રાખ્યું હતું. નેપાળે પણ સારી શરૂઆત કપી હતી અને જીત માટે આખરી બોલ પર સાત રનની જરુર હતી. ત્યારબાદ એરીએ સિક્સર ફટકારીને મેચને પ્રથમ વખત ત્રીજી સુપર ઓવરમાં લઈ ગયા હતા.
ત્રીજી સુપર ઓવર
ઓફ સ્પિનર જેક લ્યોન-કાશેટે ત્રીજી સુપર ઓવરનો પ્રારંભ કરતાં પૌડેલ અને નવોદિત ખેલાડી રૂપેશ સિંહની વિકેટ ઝડપી હતી. આ સાથે નેપાળ એક પણ રન બનાવી શક્યું ન હતું. આ પછી લેવિટે સંદીપ લામિછાનેની બોલિંગમાં લોંગ-ઓન પર સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી.