Champions Trophy 2025 : ભારતીય ટીમે સતત બે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. જે લોકો દુબઈમાં ટીમ ઈન્ડિયાના રમવાને લઈને સવાલ ઉઠાવી રહ્યા હતા તેમને હવે પ્રશંસા કરવાની ફરજ પડી રહી છે. ભારતે આ ટૂર્નામેન્ટ એકતરફી અંદાજમાં જીતી છે. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પહેલા કહી રહ્યો હતો કે ભારત તેની તમામ મેચો એક જ સ્થળે રમી રહ્યું છે તેથી તેને ફાયદો થયો છે. હવે તે જ કહી રહ્યો છે કે ભારતીય ટીમે તેની મજબુત બેન્ચ સ્ટ્રેન્થને કારણે જીત મેળવી હતી.
શાહિદ આફ્રિદીએ પસંદગીને શ્રેય આપ્યો
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સમા ટીવી પર કહ્યું કે તે જીતવાના હકદાર હતા. જ્યારે તમે તમારા ઘરેલુ ક્રિકેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એકેડેમી અને સારા ક્રિકેટમાં રોકાણ કરો છો ત્યારે તમને પરિણામ મળશે. તેમાં કોઈ શંકા નથી કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની પસંદગી, પરિસ્થિતિઓ માટે આ તેમની પસંદગી સમિતિનું શાનદાર કામ હતું. હા, હું એ વાત સાથે સહમત થાઉં છું કે તેઓ પરિસ્થિતિ જાણતા હતા કારણ કે તેઓ તેમની તમામ મેચો એક જ સ્થળે રમ્યા હતા અને સ્થળ બદલાયું ન હતું.
ભારત વર્લ્ડ 11 સામે પણ જીતી ગયું હોત
પોતાની વાત આગળ રાખતા તેમણે કહ્યું કે આ તેમની જીત પાછળનું એક મોટું કારણ છે, પરંતુ સાચું કારણ તેમની પસંદગી પણ છે. હું આ જાણું છું કારણ કે હું દુબઈમાં રમ્યો છું, અમે સ્પિનરો પર આક્રમણ કરતા હતા, અહીં સ્પિનરોની ભૂમિકા ઘણી મહત્વની છે. તેમની પસંદગી ખૂબ જ સારી હતી. જો તમે ભારતની ટીમ ઓપનરથી માંડીને મિડલ ઓર્ડર, ઓલરાઉન્ડર્સ, અસલી સ્પિનર્સ અને ફાસ્ટ બોલરો પર નજર નાખો તો હું કહીશ કે ચેમ્પિયન્સ ટ્રોફીની વર્લ્ડ 11 બનાવી હોત અને તેમને દુબઈમાં ભારત સામે રમાડી હોત તો પણ ભારત જીતી જાય.
માઇકલ વોને પણ બદલ્યા સૂર
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને અગાઉ દુબઈને ભારતનું નવું હોમ વેન્યુ ગણાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાને વ્હાઈટ બોલની સર્વશ્રેષ્ઠ ટીમ ગણાવી છે. તેમણે એક્સ પર લખ્યું કે ઇમાનદારીથી કહું તો ભારત વ્હાઇટ-બોલ ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે, જે ઘણા માર્જિનથી આગળ છે. તે સંપૂર્ણપણે જીતવાને હકદાર છે.